Charchapatra

લક્ષ્મણ રેખા ઓળંગવી ન જોઇએ

શક- શંકા કે વહેમ એકવાર માણસના મનમાં પેસી જાય તો તે તેના જીવનને બદતર દોઝખ બનાવી દે છે. એટલું જ નહીં તેના જીવનને છિન્ન-ભિન્ન પણ કરી મૂકે છે. વળી તે મનુષ્યના જીવનના પ્રત્યેક સંબંધોમાં પ્રવેશી શકે છે. પતિ-પત્નીના સંબંધોમાં પ્રવેશતાં તેને સહેજ પણ સમય લાગતો નથી. એક નાની સરખી ભૂલ પણ પર્યાપ્ત બની શકે છે માટે ખાસ સંભાળ રાખવી રહી. તે પતિ-પત્નીના સંબંધોનો સહેજમાં અંત લાવી મૂકે છે.

એટલું જ નહિ, કયારેક તો તે તેમના જીવનનો પણ અંત લાવી દે છે. હા શકની એક ઉજળી બાજુ પણ છે કે તેનાં દ્વારા ગુનેગારોને શોધતું કોઇ પણ સરકારી તંત્ર અનેક વ્યકિતઓ શક કરી છેવટે તે સાચા ગુનેગાર સુધી પહોંચે છે. માટે માણસે સંબંધોમાં કયારે પણ શકને સ્થાન ન આપવું એટલું જ નહિ જીવનમાં શક ઉત્પન્ન થાય એવા વ્યવહારોથી દૂર રહેવું ઘટે. જો જીવનને છિન્ન ભિન્ન ના થવા દેવું હોય તો યાદ રહે જીવન અને જીવનના પ્રત્યેક સંબંધોની લક્ષ્મણ રેખા હોય છે તેને ઉલ્લંઘવી જોઇએ નહીં.
નવસારી            – ગુણવંત જોષી સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સમયનો સદુપયોગ, એ જ જીવન સાફલ્ય..!
આનંદ ફિલ્મમાં રાજેશ ખન્નાના મુખે એક મશહૂર ડાયલોગ મુકાયો છે. “બાબુ મોશાઈ ! જિંદગી લંબી નહિ, બડી હોની ચાહિએ..!” જીવનમાં મળેલા સમયનો સદુપયોગ જ જીવનની સફળતા અને સાર્થકતા નક્કી કરે છે. બાકી, ઉંમર તો બાગના બાંકડે બેઠાં હોઈએ ત્યારે ય વધતી હોય છે. ઉંમરને “લાયક” બનવા માટે મથામણ કરવી પડતી હોય છે. “જીવી” જવું અને જીવી ખાવું એમાં ફરક હોય છે.

જીવનમાં વર્ષો ઉમેરાય એ અગત્યનું નથી, વર્ષોમાં કેટલું “જીવન” ઉમેરાય છે, એ અગત્યનું છે. પૈસા વેડફાઈ ત્યારે જેટલો અફસોસ થાય એટલો અફસોસ જ્યારે “સમય” વેડફાઈ ત્યારે થવા માંડે, તો સમજવું કે હવે “જીવન” નું મૂલ્ય સમજાય છે.. હિન્દી ફિલ્મોના અપ્રતિમ સુંદરતાના મૂર્તિ એવાં મધુબાલાનુ જીવન ૩૬ વર્ષે જ સમેટાઈ ગયું હતું.. મધુબાલાનુ સૌંદર્ય અને અભિનય આજે ય લોકોના માનસપટ પર અંકિત થયેલું છે. અમેરિકાનાં શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં યાદગાર પ્રવચન આપનાર સ્વામી વિવેકાનંદનું ૩૯ માં વર્ષે જીવન પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું..

આટલાં ટૂંકા જીવનમાં પણ તેઓ “સાર્થક” જીવનનું ભાથું મૂકતા ગયા. સ્વામી વિવેકાનંદને અમેરિકામાં યોજાયેલા વિશ્વ ધર્મ પરિષદમાં પ્રવચનનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ પ્રથમ આપણા પ્રખર વિદ્વાન ગુજરાતી સાહિત્યકાર મણિલાલ નભુભાઈ દ્વિવેદીને મળ્યું હતું પણ નાદુરસ્ત તબિયતને કારણે તેઓ અમેરિકા જઈ શક્યા નહોતાં.. મણિલાલ દ્વિવેદીની આત્મકથા “આત્મવૃતાંત” ઘણી વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ રહી. જે એમના મૃત્યુ પછી ઘણા વર્ષો બાદ પ્રગટ કરવામાં આવી. મણિલાલ દ્વિવેદી ફક્ત ૪૦ વર્ષનાં આયુષ્યમાં સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરી ગયા..

ટેકનોલોજીમા ક્રાંતિ લાવનારા અને સ્માર્ટફોનના પ્રણેતા એવા સ્ટીવ જોબ્સ ૫૬ વર્ષની આયુ માં “કર લો દુનિયા મુઠ્ઠી મેં” ની જેમ સ્માર્ટફોન રૂપી રમકડું લોકોનાં હાથમાં થંભાવતા ગયા.. આજના બની બેઠેલા ધ.ધુ.પ.પુ. એવા સાધુ બાવાઓએ પોતાના જીવનમાં જોયા પણ નહીં હોય એટલા પુસ્તકો વાંચનાર ૨૦ મી સદીના ખરાં અર્થમાં “વિચાર પુરુષ” કહીં શકાય એવા ઓશો રજનીશે ૫૯ વર્ષની ઉંમરે જ પોતાની જીવનલીલા સંકેલી લીધી.. જગતની ખાતાવહીમા વર્ષો નથી નોંધાતા, “કાર્યો” નોંધાય છે.
સુરત     – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top