શહેરના કતારગામ અને અમરોલી વિસ્તારને જોડતા રત્નમાલા બ્રિજના લોકાર્પણની લાંબા સમયથી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. આખરે લોકોના ઈંતજારનો અંત આવ્યો છે. આજે મુખ્યમંત્રી વિના નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળમંત્રી સી.આર. પાટીલે રત્નમાલા બ્રિજને ખુલ્લો મુક્યો હતો. આ સાથે જ કતારગામ-અમરોલીના લાખો લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળી છે. ઉદ્દઘાટના પ્રસંગે સી.આર. પાટીલ ઉપરાંત રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકીયા અને મેયર દક્ષેશ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, પરંતુ તેમનો પ્રવાસ છેલ્લી ઘડીએ રદ્દ થયો હતો. નિર્ધારિત કાર્યક્રમ હોય મુખ્યમંત્રી વિના જ પુલના લોકાર્પણની વિધિ આટોપાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, રત્નમાલા બ્રિજ લાંબા સમયથી પેન્ડિંગ હતો. તેથી તે ભાજપ અને પાલિકા માટે માથાનો દુઃખાવા સમાન બની ગયો હતો. આ પ્રોજેક્ટમાં થયેલા વિલંબને કારણે સ્થાનિકોમાં ભારે રોષ હતો. આ બ્રિજ અંદાજે 62.84 કરોડના ખર્ચે તૈયાર થયો છે. બ્રિજના કામગીરીની સમયમર્યાદા દોઢ વર્ષ પહેલા પૂર્ણ થઈ ગઈ હતી, છતાં કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હતી. કતારગામ અને અમરોલી વચ્ચે સતત રહેતી ટ્રાફિક જામની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
આજે કાસાનગરથી અમરોલી જતા બ્રિજના હિસ્સાને વિધિવત રીતે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આ બ્રિજ કાર્યરત થવાથી કતારગામ અને અમરોલી વિસ્તારના 10 લાખ લોકોને ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળશે અને ઈંધણ તેમજ સમયની પણ બચત થશે.