સુરત: દારૂબંધીનો દેખાડો કરતી સુરત શહેર પોલીસની પોલ ફરી એકવાર સ્ટેટ મોનિટરીંગ સેલે ઉઘાડી પાડી છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સચિન નજીક ભાટીયા કચોલી ગામના ખુલ્લા ખેતરમાંથી લાખો રૂપિયાનો દારૂ પકડ્યો છે. આ સાથે જ સ્ટેટ મોનિટરીંગ સેલે ચારની ધરપકડ કરી છે. જ્યારે 8ને વોન્ટેડ જાહેર કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડા પાડીને સચિનના ભાટીયા કચોલી ગામના ખુલ્લાં ખેતરમાં વેચાણ માટે મુકેલા રૂપિયા 9,70,440ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં 8424 બોટલો છે.
સ્ટેટ મોનિટરીંગ સેલની કાર્યવાહીના પગલે સચિન પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી. સચિન પોલીશ સ્ટેશનની હદમાં આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાતા પોલીસના ભ્રષ્ટ્રાચાર પરથી પડદો ઉઠી ગયો છે.
પકડાયેલા આરોપીઓ: (1) ગણેશ રવિચંદ્ર રાણા (રહે., સુરત), (2) ધર્મેશ રવજી રાઠોડ, (3) પિયુષ મુકેશ રાઠોડ, (4) ઉકા કાલીદાસ રાઠોડ (રહે. ગામ-ભાટીયા, સચિન, સુરત)
વોન્ટેડ આરોપી: (1) અલ્પેશ ઉર્ફે જાડો જગદીશ રાણા (જેણે મુદ્દામાલનો આદેશ આપ્યો હતો, રહે. સલાબતપુરા), (2) રાજેશ કિરણ રાઠોડ, (3) આકાશ જગુ રાઠોડ, (4) મયુર ભરત રાઠોડ, (5) રવજી નાથુ રાઠોડ (રહે. ભાટિયા, સચિન), (6) બ્રાઉન મારુતિ અર્ટિગા કારનો ડ્રાઈવર સરફરાઝ, (7) અજાણ્યો મારુતિ અર્ટિગા કારનો ચાલક, (8) અજાણ્યો સ્ક્રૉસ કારનો ડ્રાઈવર
કોસંબામાં ઇંગ્લિશ દારૂની રેલમછેલ કરનાર બુટલેગર જેલમાં ધકેલાયો
કોસંબાના નવા પી.આઈ. જે.એન.બારોટે પોલીસમથકનો ચાર્જ સંભાળ્યા બાદ દારૂની રેલમછેલ કરી પોલીસ અધિકારીઓની નોકરી ખાઈ જનાર બુટલેગરો સામે લાલ આંખ બતાવી છે. છતાં પણ વર્ષોથી ફૂટેલી કારતુસ જેવા કેટલાક પોલીસકર્મીઓની પનાહમાં નજીકના કુંવારદા ગામે ઇંગ્લિશ દારૂની રેલમછેલ કરી ઇંગ્લિશ દારૂનો ધીકતો ધંધો કરનાર બુટલેગર મહેશભાઈ વસાવા ચોરીછૂપી હજી પણ ઇંગ્લિશ દારૂ વેચી રહ્યો છે એવી બાતમી પીઆઇને મળતાં પી.આઈ.એ જીઆરડી જવાનોને સાથે રાખી ઘટના સ્થળે રેડ કરી એક થેલામાં ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ રાખીને વેચનાર બુટલેગર મહેશભાઈ વસાવા અને રાજેશભાઈને ઝડપી પાડી ઇંગ્લિશ દારૂનો જથ્થો તેમજ દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલી મોપેડ મળી કુલ રૂ.૮૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બુટલેગરને જેલમાં પુરાતાં કોસંબા પંથકમાં ફાટીને ધુમાડે ગયેલા અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો હતો.