Gujarat

છેલ્લા 5 વર્ષમાં તળાવો ઉંડા કરવાના-નવા તળાવોના 27799 કામો, ચેકડેમ રીપેરીંગના 4508 કામો પૂરા થયા

ગાંધીનગર: પાણી (Water) બચાવવા અને પાણીનો બગાડ અટકાવવા લોકમાનસમાં જાગૃતિ આવે તે અત્યંત અનિવાર્ય છે. ગુજરાત (Gujarat) રાજ્યમાં પાણીની ઉપલબ્ધિમાં કુદરતી અસમાનતા છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ૭૧ ટકા પાણી, ઉત્તર ગુજરાતમાં ૧૧ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૬ ટકા અને કચ્છમાં માત્ર ૨ ટકા પાણીની ઉપલબ્ધિ છે. રાજયમાં કચ્છ વિસ્તારમાં વાર્ષિક સરેરાશ ૪૦૦ મી.મી., સૌરાષ્ટ્રમાં ૪૦૦ થી ૮૦૦ મી.મી. અને અન્‍ય વિસ્તારોમાં સરેરાશ ૮૦૦ થી ૨,૦૦૦ મી.મી. વરસાદ પડે છે. સાથે-સાથે વધતી જતી વસ્તી, આર્થિક વિકાસ, વધતુ જતું શહેરીકરણ અને લોકોના જીવનધોરણમાં સતત સુધારો થવો વગેરે જેવી બાબતો પાણીનો વપરાશ વધારવામાં એક યા બીજી રીતે કારણભૂત થઇ છે, તેવું વિધાનસભામાં છેલ્લા દિવસના આભાર પ્રસ્તાવમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.

વિધાનસભામાં આભાર પ્રસ્તાવમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વધુમાં કહ્યું હતું કે, જળસ્ત્રોતનો વિકાસ અને સંરક્ષણ એ આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. આ માટે જળસંરક્ષણ, પાણીની સમાન અને કરકસરયુકત વહેંચણી તથા જળસ્ત્રોતમાં વધારો આ ત્રણેય બાબતો પરત્વે સતત વિચારણા અનિવાર્ય બની છે. આજે આ પૈકી જળસંરક્ષણ માટે સ્થાનિક કક્ષાએ જે તે વિસ્તારના જળસ્ત્રોતો જેવાં કે ચેકડેમ, તળાવો, બોરીબંધ વગેરે રીચાર્જ કરવામાં કેટલીક સગવડતાઓ રહેલી છે. પાણી બચાવવા અને પાણીનો બગાડ અટકાવવા લોકમાનસમાં જાગૃતિ આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળસંચય અભિયાનની શરૂઆત વર્ષ ૨૦૧૮માં ૧ લી મે, એટલે કે, ગુજરાત સ્થાપના દિવસે કરવામાં આવી હતી.

સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં ૭૪,૫૦૯ કામો હાથ ધરવામાં આવેલા છે. જે પૈકી મુખ્યત્વે તળાવો ઉંડા કરવાના/નવા તળાવોના ૨૭,૭૯૯ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૧૬,૨૯૧ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૪૫૦૮ કામો કરવામાં આવ્યા છે. કુલ ૫૬,૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફસફાઇના કામો કરવામાં આવ્યા છે. જેનાથી ૮૬,૧૯૬ લાખ ઘનફુટ જેટલો જળ સંગ્રહશકિતમાં વધારો થયો છે તથા ૧૭૭.૭૪ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થઈ છે. સાથો-સાથ અન્ય વિકાસના કામોને પણ વેગ મળ્યો છે.

ચાલુ વર્ષે લોક ભાગીદારીથી થતાં માટી/મુરમના ખોદાણના કામો માટેના ભાવ, જે વર્ષ ૨૦૨૨માં રૂ.૪૦.૦૦ પ્રતિ ઘન મી. હતા, તેમાં વધારો કરી રૂ.૫૨.૦૦ પ્રતિ ઘન મી. કરવામાં આવી છે, જેમાં સરકારનો ફાળો ૬૦ ટકા રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત જે સંસ્થાઓને સ્વખર્ચે કામો કરવા હોય તેમને સરકાર દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે પણ તા. ૧૭/૦૨/૨૦૨૩ થી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧૪,૦૦૦થી વધુ કામોનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી ૩૦૦૦થી વધુ કામો પ્રગતિમાં છે.

રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા ૧,૮૬,૬૪૯ ચેકડેમો બનાવવામાં આવ્યા છે. જે પૈકી જળ સંપત્તિ વિભાગ દ્વારા ૯૪,૦૯૨ નવા ચેકડેમ બનાવવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જળસંપત્તિ વિભાગ દ્વારા ૯૬૬ નાના અને ૩૭૮ મોટા ચેકડેમ પૂર્ણ થયા છે. આમ, રાજ્યમાં આવેલા ચેકડેમોથી આશરે ૪,૪૬,૫૦૧ હેકટર વિસ્તારને સીધી અને આડકતરી રીતે સિંચાઈના લાભ મળે છે.

Most Popular

To Top