Business

લાજપોર જેલ

મોબાઈલ ફોન,સિમ કાર્ડ,કોઈ પણ બ્રાન્ડના ગુટકા કે સિગારેટ,શરાબ કે અન્ય ગેરકાયદેસર ચીજવસ્તુઓ કે જે જેલમાં કેદીઓ માટે નિષેધ છે,એ દરેક વસ્તુઓ જ્યારે પણ ઔપચારિક રેડ પડે છે ત્યારે લાજપોર જેલમાંથી મળી આવે છે.બીજે દિવસે પેપરમાં આવે છે અને ત્રીજે દિવસે બધા ભૂલી જાય છે. પણ હવે તો હદ થઈ ગઈ, જેલમાંથી ગેંગસ્ટરો દ્વારા એમ.ડી. ડ્રગ્સની તસ્કરી અને વેચાણ પણ ચાલુ થઈ ગયું..! તો હવે આ મર્દાના તવાયફના કોઠા ૫૨ મુજરા સિવાય બાકી શું રહ્યું? લાજપોર જેલમાં પૈસા ફેંકો તમાશા દેખો,જેવી સ્થિતિ છે.

કેદીને મળવું છે,ઘરનું જમવાનું આપવું છે,જરૂરી સામાન આપવો છે,પેરોલ પર છોડાવવો છે,કેદીને પૈસા આપવા છે કે કોઈ પણ કામ હોય ફિક્સ ચાર્જ છે, પછી જેવા ગજવા તેવી કાતર…!,ઘરનું જમવાનું તો માસિક ચાર્જ છે અને એ પણ જેલર થોડું ચાટીને જ મોકલે,જેલની અંદરથી કોઈને ફોન કરવો છે, બહારથી ખાવાનું મંગાવવું છે કે અન્ય કોઈ સુખ-સુવિધા જોઈએ તો અલગ-અલગ ચાર્જ લાગે છે,દરવાનથી લઈને જેલના દરબાર સુધી રોજ કટકી વેચાય છે,કેટલાય ગુનાહ, એ જગ્યાએ થાય છે જ્યાં ગુના માટેની સજા ભોગવવી પડે છે અને કેટલાય રીઢા ગુનેગાર માટે તો જેલ સ્વર્ગથી સુંદર માનવામાં આવે છે.છાશવારે જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવે છે તો જે-તે ઉપરી અધિકારીઓ દ્વારા શું પગલાં લેવાય છે? જેલના કેટલા અધિકારીઓની નોકરી ગઈ? જેલમાં સી.સી. ટી.વી કેમેરા નથી? કમિશનર શહેરની પ્રજાની લૂંટફાટનું માધ્યમ ટ્રાફિક વ્યવસ્થા તો ઓફિસમાં બેઠા બેઠા હેન્ડલ કરે છે અને ઘર બેઠાં મેમો મોકલે છે,તો એ વ્યવસ્થા આખી જેલના મોનીટરીંગ માટે કેમ નથી?

ચાલો માનીએ, ખાખી અને ખાદીને તો ભ્રષ્ટાચારનું વરદાન છે, પણ એમ.ડી. ડ્રગ્સ તો ગુજરાતમાં હવે દાણા- ચણાની જેમ મળે છે.વચ્ચે તો અદાણીના પોર્ટ પરથી 200 કિલો એમ.ડી. ડ્રગ્સ મળ્યું હતું તો હવે ખાખી-ખાદી અને ઉદ્યોગપતિઓની આ સાંઠગાંઠ ગુજરાતને ક્યાં પહોંચાડશે? અન્ધ ભક્તો અને સનાતની ભોંપુઓએ વિચાર્યું છે ખરું?કારણકે સરકાર ભાજપની તો દરકાર કોની? આજે ઘણા સ્લમ વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાય છે,આવતી કાલે શાળા-કોલેજોમાં એમ.ડી. ડ્રગ્સ મળતું થશે.તમારાં બાળકોનું ભવિષ્ય શું હશે? માત્ર નાના-મોટા ફાયદા, હિન્દુ-મુસ્લિમના તાયફા અને જાતિ-કોમવાદને લીધે એક સ્વાર્થી વ્યક્તિના હાથમાં ગુજરાતની દોર આપીને ગરવીમાંથી, ગીરવી ગુજરાત તો બનાવી દીધું. ભ્રમિત વિકાસનાં નામ એક અદૃશ્ય વિનાશને આમંત્રણ આપનારા ગુજરાતીઓના ઘરે-ઘરે આજે એક કૅન્સરનો રોગી છે એ જ રીતે ઘરે-ઘરે એક ચરસી બનશે શું ત્યારે અંધભક્તિમાંથી જાગશે?
સુરત     – કિરણ સૂર્યાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top