ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા અમેરિકી સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિને આજે જણાવ્યું હતું કે ભારતમાં લઘુમતિઓના અધિકારો અંગે તેમણે અહીંના કેન્દ્રીય મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાગીદાર રાષ્ટ્રો વચ્ચે આવી વાતચીતો થવી જ જોઇએ. લડાખમાં ભારત-ચીન સીમા વિવાદ વિશે પૂછાતા ઑસ્ટિને કહ્યું કે ભારત અને ચીન યુદ્ધના આરે છે એવું અમેરિકાએ કદી વિચાર્યું નથી.
ભારતમાં લઘુમતિઓના માનવ અધિકારોના કથિત ભંગ અંગે વડાપ્રધાન મોદી સાથે તેમણે ચર્ચા કરી કે કેમ? એવું પૂછવામાં આવતા ઓસ્ટિને કહ્યું હતું કે તેમની સાથે વાતચીત વખતે આ ચર્ચા કરવાની તક તેમને મળી નહીં. આ બાબતે તેમની સાથે વાત કરવાની મને તક મળી નહીં.
જો કે આ મુદ્દે કેબિનેટના અન્ય સભ્યો સાથે આ બાબતે વાતચીત થઇ એમ તેમણે થોડાક મીડિયા ગૃહ સમક્ષના બ્રીફિંગમાં જણાવ્યું હતું. હું માનુ છું કે ભારત અમારું ભાગીદાર છે જેની ભાગીદારીની અમે કદર કરીએ છીએ. અને હું માનુ છું કે ભાગીદારો વચ્ચે આ પ્રકારની ચર્ચા થવી જોઇએ. અને ચોક્કસ અમને આવી ચર્ચા કરવામાં સાનુકૂળતા જણાય છે અને તમે આ ચર્ચાઓ ઘણા અર્થસભર માર્ગે કરી શકો અને હજી પ્રગતિ કરી શકો એમ તેમણે કહ્યું હતું.
દરમ્યાન, અમેરિકી સંરક્ષણ મંત્રીએ આજે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે વ્યાપક સ્તરની મંત્રણા કરી હતી જેમાં બંને દેશોએ તેમનો સંરક્ષણ અને સુરક્ષા સહકાર વધુ ગાઢ બનાવવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
મંત્રણા પછી ઓસ્ટિને કહ્યું હતું કે અમેરિકા ભારત સાથેની સંરક્ષણ ભાગીદારીને પ્રાથમિકતા આપે છે જ્યારે રાજનાથ સિંહે આ મંત્રણાને સઘન અને ફળદાયી ગણાવી હતી. એવું માનવામાં આવે છે કે પૂર્વીય લડાખમાં ચીનની આક્રમકતાની ચર્ચા પણ આ મંત્રણામાં થઇ હતી.