Gujarat Main

પોલીસવાળાઓ પર ગાડી ચડાવી દેનાર લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી લીમડીમાંથી પકડાઈ

  • ભચાઉના ચકચારી હત્યાના પ્રયાસના કેસમાં વોન્ટેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ગુજરાત એટીએસે લીંબડીના ગામમાંથી પકડીઃ જામીન રદ થતાં ભાગી ગઈ હતી

અમદાવાદઃ છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતની લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ચર્ચામાં છે. ભચાઉના ચકચારી હત્યાના પ્રયાસના કેસમાં નીતા ચૌધરી વોન્ટેડ હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કરતા નીતા ચૌધરી ભાગી ગઈ હતી. પોલીસ તેને લાંબા સમયથી શોધી રહી હતી. આખરે મંગળવારે નીતા ચૌધરીને ગુજરાત એટીએસની ટીમે લીમડીના એક ગામમાંથી પકડી લીધી છે.

લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીના કારનામા છેલ્લાં કેટલાંય દિવસોથી ચર્ચામાં છે. નીતા ચૌધરીએ થોડા દિવસો પહેલાં બુટલેગર સાથે મળી પોલીસ કર્મચારીઓ પર ગાડી ચડાવી દીધી હતી. તે ગાડીમાંથી દારૂની બોટલો મળી હતી. આ મામલામાં નીતા ચૌધરી વિરુદ્ધ કચ્છના ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

ગઈ તા. 30 જૂનના રોજ કચ્છના ભચાઉમાં પોલીસ કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજાને પકડવા પહોંચી હતી. બુટલેગરની થાર રોકવા પોલીસે પ્રયાસ કર્યો હતો ત્યારે બુટલેગરે થાર કાર પોલીસ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. યેનકેન પ્રકારે પોલીસે થાર કાર રોકી અંદર તલાશી લીધી હતી, ત્યારે કારમાં બુટલેગર સાથે સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ મળી આવી હતી. આ ઉપરાંત કારમાં દારૂની બોટલો હતી. પોલીસે આ કેસમાં બે ફરિયાદ દાખલ કરી હતી. પ્રોહિબિશન અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

આ કેસમાં નીચલી કોર્ટે સ્ત્રી હોવા સહિતના મુદ્દે લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીના જામીન મંજૂર કર્યા હતા. તેની સામે પોલીસે ભચાઉની સેશન્સ કોર્ટમાં અજી કરી હતી. સેશન્સ કોર્ટે જામીન રદ કરવાનો આદેશ કર્યો હતો.

જેથી પોલીસ નીતા ચૌધરીને પકડવા તેના ઘરે પહોંચી હતી, ત્યારે તેના ઘર પર તાળું હતું. ત્યાર બાદથી નીતા ચૌધરી ફરાર હતી. દરમિયાન નીતા ચૌધરીએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, તેની પર સુનાવણી બાકી છે. તે પહેલાં મંગળવારે ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીની સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના એક ગામમાંથી તેની ધરપકડ કરી છે. તે પોતાના સાસરીમાં છુપાઈ હતી. એટીએસ હવે નીતા ચૌધરીની કસ્ટડી કચ્છ પોલીસને સોંપશે.

Most Popular

To Top