ઉમરગામ: (Umargam) ઉમરગામના ફણસામાં રાત્રે મહિલાની (Lady) એકલતાનો લાભ લઇ પડોશી (Neighbor) શખ્સે શરીરે અડપલાં કર્યા હોવાના બનાવની પોલીસ (Police) ચોપડે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
ઉમરગામ તાલુકાના ફણસા ગામે રહેતી 46 વર્ષીય મહિલાનો પતિ વિદેશમાં નોકરીએ ગયો છે અને તેના છોકરાઓ પણ સરીગામ સુરત નોકરી કરે છે. ગુરુવારે રામ નવમીના દિવસે જલારામ મંદિર ખાતે સત્યનારાયણ ભગવાનની પૂજા વગેરે પતાવી તેણી રાત્રે દસેક વાગ્યાના સુમારે પોતાના ઘરે આવી હતી. તે વખતે તેને પાડેલા મરઘાઓ ઓટલા ઉપર હતા. તે મરઘાઓને ઘરમાં લઈ ગઈ હતી. જેમાં એક મરઘી મળતી નહીં હોય તેને બાજુમાં જ રહેતા ઉર્મિત પટેલને તે મારી મરઘી જોઈ છે કે એવું પૂછતા તેને કહ્યું હતું કે તમારી મરઘી ઘરના પાછળના ભાગે ગઈ છે એમ કહેતા મરઘી શોધવા પાછળ ગઈ હતી. તે વખતે ઉર્મિત પાછળ પાછળ આવી એકલતાનો લાભ લઇ તેણીને પાછળથી પકડી લઈ શરીરે અડપલા કરવા લાગ્યો હતો.
એ વખતે ઉર્મિતને ધક્કો મારી પોતાને છોડાવી ઘરમાં આવી ગઈ હતી અને દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેણીએ પોતાના ફોઈના દીકરાને ફોન કરી બોલાવતા ફોઈનો છોકરો અને તેનો મિત્ર ઘરે આવ્યા હતા અને પડોશમાં જ રહેતા ઉર્મિતના ઘરે હકીકત જણાવવા ગયા હતા તે સમયે ઉર્મિત ક્યાં છે એવું તેના પિતા દિનેશને પૂછતા ઉર્મિત ઘરે નથી એમ જણાવ્યું હતું. જો કે થોડી જ વારમાં ઉર્મિત ઘરમાંથી બહાર આવ્યો હતો અને ગાળો આપી તકરાર કરી માર મારી નાસી ગયો હતો. મહિલાએ આ બનાવની નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉર્મિત દિનેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સેલવાસમાં પતિને પત્નીની હત્યાના ગુનામાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
સેલવાસ-દમણ : સઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં પતિને પત્નીની હત્યાના ગુનામાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. વર્ષ 2015માં સેલવાસના સાયલીમાં મેઘાપાડા ગામની બલિયાની ચાલમાં રહેતી 20 વર્ષીય અસરફ દેવી ઉર્ફે સરિતા બનારસી વિશ્વકર્મા ગંભીર રીતે દાઝેલી અવસ્થામાં ઘરમાંથી મળી આવી હતી. જેને સારવાર અર્થે સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ તરફ મૃતક મહિલાના પતિએ પોલીસ નિવેદનમાં જણાવ્યું કે તેની પત્નીએ શરીર પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરી હતી. જ્યારે મૃતક મહિલાના સંબંધીઓએ પોલીસ મથકમાં આવી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સેલવાસ સમક્ષ જણાવ્યું હતું કે, મૃતક સરિતાના પતિએ દહેજ માટે ઉત્પીડિત કરવાના કારણે તેણીનું મૃત્યુ થયું છે. ત્યારે મૃતકના સગાવાળાના નિવેદનને પગલે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નિતીન જિંદાલએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સેલવાસ પોલીસ મથકે મૃતક સરિતાના પતિ બનારસી ધર્મરાજ વિશ્વકર્મા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન આરોપી પતિ સેલવાસથી ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો. જેની પોલીસે ધરપકડ કરી સેલવાસ કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરી હતી. આરોપી વિરુદ્ધ સેશન્સ કોર્ટ સેલવાસમાં સુનાવણી કરતા ટ્રાયલ દરમિયાન સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ પર મૂકવામાં આવ્યા હતા. સાથે જરૂરી પુરાવા પણ એકત્ર કરી કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. શનિવારે આ કેસની ટ્રાયલ ચાલી રહી હતી. સરકારી વકીલ ગોરધન પુરોહિતની ધારદાર દલીલને ગ્રાહ્ય રાખી જજ એસ.એસ.અડકરેએ આરોપી પતિને આજીવન કેદની સજાનો હુકમ કરી રૂ.15,000નો વધારાનો દંડ પણ ભરવા આદેશ કર્યો હતો.