ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં, લગ્ન પ્રસંગે, મુરતિયો પરણીને, ગાડાંઓ જોડેલી જાનમાં ઘરે આવતો હોય છે ત્યારે રસ્તામાં જાનડીઓ, કન્યાને અનુલક્ષીને એક ગીત ગાય છે. ગીતનું મુખડું આવું છે કાંઇક, ‘લાડડી દેરે દેરે તો ચોખા મૂકેતી. લાડડી ‘ફલારાભાઇ’ શેરીકો ‘ભરથાર’ માગેતી.’ સારા વરની કામના કરનાર, કન્યા, પરણતાં પહેલાં જયાં દેરી દેખાય ત્યાં ચોખા મૂકી આવે છે. ચોખા મૂકતી વખતે કન્યા, મનોમન જે તે દેશના પ્રાર્થના કરે છે કે, ‘હે માવડી, હે દેવ, હે પ્રભુ, તું મને સારો, સંસ્કારી, ભલો અને શકિતશાળી વર આપજે’. આવી કોડભરી કન્યાની જેમ, આપણા રાજકારણી નેતાઓ પણ, જયાં જાય ત્યાં મંદિરમાં જઇ પૂર્જા અર્ચના કરવાનું ભૂલતા નથી.
નદીઓની પૂજા કરીને, જળને માથે ચડાવવાની ક્રિયા પણ ચૂકતા નથી. પહેલેથી જ ચાલી આવતી આ રસમમાં હમણાં ઘણો ઉછાળો આવેલો જોઇ શકાય છે. દેશના ટોપ કક્ષાના નેતાઓથી માંડીને રાજયના મુખ્યમંત્રીઓ અને અન્ય નેતાઓ, પોતાના રાજકીય પ્રવાસો દરમ્યાન, મંદિરોમાં જઇને, ભગવાનને પગે પડવાનું ભૂલતા નથી. દેરીએ દેરીએ ચોખા મૂકતી કન્યાની જેમ, મંદિરે મંદિરે પગે લાગતાં રાજકારણી નેતાઓ, ભગવાન પાસે, પોતાનું હાલનું સિંહાસન ઝૂંટવાઇ ના જાય, એવું કાંઇક માગતા હોય તો નવાઇ નહિ. અને જેની પાસે અત્યારે સિંહાસન નથી.
એ સૌ નેતાઓ ચોકકસ માગતા હશે કે, ‘હે ભગવાન, હવે પછીની ચૂંટણીઓમાં અમે સિંહાસન લૂંટી લઇએ, એટલા વોટ અમને જરૂર અપાવજો’. ચૂંટણીઓ ટાણે, તો મંદિરોમાં દર્શન કરવા જવાનો વાયરો, રાજકારણીઓમાં વધુ જોરથી ફૂંકાતો હોય છે. મંદિરોએ જઇને, પૂજા-પ્રાર્થના કરવી, પ્રભુનાં દર્શન કરવાં વગેરે માણસની અંગત ધાર્મિક શ્રધ્ધાની બાબતો હોઇ શકે છે. પરંતુ જાહેર જીવનમાં પડેલા રાજકારણી નેતાઓની, મંદિરોનાં પગથિયાં ધસી નાંખવાની અતિરેકભરી રીતો, આમ પ્રજાને ખાસ ગમતી નથી. આમ સરેરાશપણે જોઇએ તો નેતાઓની ધર્મ પ્રત્યેની આ પ્રકારની સંવેદનાઓ વડે, કયા પ્રકારનો લાભદાયક મેસેજ, સમાજમાં પહોંચે છે એ તો એ રાજકારણી નેતાઓ જ જાણે.
સુરત – બાબુભાઇ નાઇ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.