સંતરામપુર : સંતરામપુર નગરપાલિકાના શાસકો આંતરિક ખેંચતાણમાં રહેવાના કારણે નગરજનો પ્રાથમિક સુવિધાથઈ વંચિત થઇ રહ્યાં છે. નગરપાલિકાના વોર્ડ નં.6માં ગટરની વ્યવસ્થા વ્યવસ્થિત ન હોવાના કારણે આ વિસ્તારમાં ગંદા પાણી જ્યાં ત્યાં ફરી વળ્યાં છે. જેમાં પાલિકા દ્વારા યોગ્ય સફાઇ પણ ન કરતાં સ્થાનિક રહિશોમાં રોષની લાગણી જન્મી છે.
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 6 માં ગટરની વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિક રહીશો તેમજ જાગૃત્ત નાગરિકોમાં નગરપાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહી છે.
જેમાં આ વોર્ડના સ્થાનિક રહીશોના ઘરનું પાણી રોડ પર ફરી વળે છે. તેમજ સાથે આ તમામ પાણી વોર્ડ નંબર 6માં આવેલા એક ખાનગી માલિક મોહ્યુદ્દીન ભુરાના પ્લોટમાં ચારે બાજુ ફરી વળતાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઇ રહ્યું છે. આ અંગે જાગૃત્ત નાગરિકે નગરપાલિકાના સત્તાધિશોને અવાર નવાર રજુઆતો કરવામાં આવી છતા આજદિન સુધી કોઈ જ કામગીરી કરેલી જોવા મળી નથી. આ સંતરામપુર નગરપાલિકા બિલકુલ વિકાસ કરવામાં ઝીરો નંબર પર છે . જેથી આ બાબતે સંતરામપુર નગર પાલિકા ઉચ્ય તંત્ર તેમજ સરકારનું વહીવટી તંત્ર તપાસ કરી આવા જવાબદાર સત્તાધિશો સામે કાયદેસર ના પગલા ભરે અને આ સમસ્યાનું વ્હેલી તકે નિરાકરણ લાવે સત્વરે કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.