ગુજરાતમાં શિક્ષણ વિભાગ છાસવારે નવા નવા ખતરારૂપ અખતરા કરે છે ત્યારે લાગે છે કે શિક્ષણમંત્રી સહિત આખો વિભાગ શિક્ષણનું સફળ અને અસરકારક આયોજન કરવામાં નિષ્ફળ ગયો છે. એમાં દીર્ઘદૃષ્ટિનો અભાવ જણાય છે. હાલમાં જ પરિપત્ર થયો કે ધો.૧ થી ૧૨માં ખૂટતાં શિક્ષકોની જગ્યા જ્ઞાનસહાયકોથી નહીં ભરાય તો નિવૃત શિક્ષકો વડે ભરાશે. વિભાગને પૂછવું છે કે (૧) શિક્ષકો ૧૧ મહિનાના કોન્ટ્રાકટ પર રખાય અને પછી અનિશ્ચિતતા હોય તો એ શિક્ષક વર્ગખંડમાં કઈ રીતે પોતાનું હૃદય રેડી શકે? (૨) જરૂરી વિષયના શિક્ષકો મળે જ, છતાં જગ્યા ખાલી રહે છે એનું કારણ શું?
(૩) એક તરફ કેટલી બધી બેરોજગારી છે અને બીજી તરફ કાયમી શિક્ષકોની નિમણૂંક માટેની દાનત નથી એનું કારણ? (૪) શિક્ષક વગર બાળકો-ગુજરાત કઈ રીતે ભણશે? (૫) ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોને ગોઠવાનો શો અર્થ? યુવાનોને રોજગારી ન આપી શકાય? (૬) નિવૃત્ત શિક્ષકોની કાર્યક્ષમતા, શારીરિક-માનસિક આરોગ્યની ચકાસણી થશે ખરી?(૭) વ્યક્તિની કાર્યક્ષમતાને તેની ઉંમર અસર કરતી જ હોય છે. ત્યારે આ ઘડિયાળના કાંટા ઊંધા ફેરવવા જેવી વાત નથી? (૮) દર વર્ષે ક્યા વિષયના કેટલાં શિક્ષકો નિવૃત્ત થવાના છે એની આગોતરી માહિતી મંગાવી યોગ્ય, સમયસર ભરતી ન કરી શકાય? (૯) ખાલી પડેલી ધારાસભ્ય કે સંસદ સભ્યની જગ્યા પર ચૂંટણી ન થાય ત્યાં સુધી પૂર્વ ધારાસભ્ય/સંસદસભ્યને મૂકી શકાય? આવાં પ્રશ્નોના જવાબો નહીં જ મળે, કારણ કે શિક્ષણનું મહત્વ સમજીને એને માટે નક્કર આયોજન કરવાની અગ્રિમતા અને પ્રતિબદ્ધતા સરકાર પાસે હોય એવું જણાતું નથી.
સુરત – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.