Vadodara

વડસર ગામના સ્મશાનમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

વડોદરા : શહેરના વડસર ગામના સ્મશાનમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હોય ત્યારે સ્થાનિક યુવક મંડળ દ્વારા સ્મશાનમાં સાફ-સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વોર્ડ નંબર 12 માં આવેલા વડસર ગામનું સ્મશાન જે છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતું.તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી ન હતી.ત્યારે સ્મશાનમાં ઝાડી ઝાંખરા પણ ઊગી નીકળ્યા હતા. જેને લઈને વડસર ગામના મહાકાળી યુવક મંડળ ટેકરાવાળા ફળિયા દ્વારા એકત્ર થઈને સ્મશાનના નવીનીકરણની કામગીરી જાતે જ કરવામાં આવી હતી.બીજા રવિવારે સાફ-સફાઈ માટે જેસીબી મંગાવી કામગીરી કરવામાં આવી હતી.

જે કામ તંત્રએ કરવાનું હોય તે કામ હવે વિસ્તારના તમામ લોકો એકત્ર થઈને કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે પાલિકાના હદમાં આ વિસ્તાર આવતો હોવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. જેના કારણે વડસર ગામના રહીશોને પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા માટે માંજલપુર તથા અન્ય જગ્યાએ જઈને અંતિમ ક્રિયા કરવાની ફરજ પડતી હતી.સ્થાનિક રહીશ રોકી ભાઈએ જણાવ્યું હતું કે આ વડસર ગામનું સ્મશાન છે.છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં હતું.જે તમે જોઈ રહ્યા છો જ્યાં જુઓ ત્યાં ઝાડી ઝાંખરા ઊંગી ગયા હતા. અમને તકલીફ પડી રહી હતી અમારે કોઈપણ સ્વજનોની અંતિમ ક્રિયા કરવી હોય ત્યારે માંજલપુર જવું પડતું હતું.ત્યારે અમારા સ્થાનિક મહાકાળી યુવક મંડળ સાથે ભેગા થઈને ભલે સત્તા પક્ષ ના કરે કે ના કરે ત્યારે અમે એક નિર્ણય કર્યો જ્યારે દેશના વડાપ્રધાને કહ્યું હતું સ્વચ્છતા અભિયાનને લઈને ત્યારે અમે પણ નક્કી કર્યું તો અમે અંતિમધામથી સ્વચ્છતાની શરૂઆત કરી હતી.વડસર સ્મશાનમાં ચિતાથી માંડીને પ્રાથમિક સુવિધાઓ નથી.

Most Popular

To Top