Columns

મજૂરની ઈમાનદારી

એક પ્રામાણિક માણસ દર દરની ઠોકરો ખાતો કોઈ કામ શોધી રહ્યો હતો.તેણે હિસાબમાં કાળાધોળા કરવાની ના પાડી નોકરી છોડી હતી અને હવે કામ મળતું ન હતું. એક પથ્થર પર માથું ઢાળી નિરાશ બેઠો હતો.

ત્યાં દૂરથી અવાજ આવ્યો કે એક મજૂર જોઈએ છે?  તે તરત ઊભો થઈ દોડી ગયો અને જોયું તો એક વૃદ્ધ માણસ પાસે ત્રણ પોટલીઓ હતી.વૃદ્ધે પેલા માણસને કહ્યું, ‘મારાથી આ ત્રણ પોટલીઓ ઉપાડાતી નથી.તું આ એક પોટલી ઉપાડી લે. હું બીજી બે લઇ લઈશ અને તને બે રૂપિયા મજૂરીના આપીશ.’

માણસે પોટલી ઉપાડી તેમાં ધારવા કરતાં વધારે વજન હતું.તે બબડ્યો, ‘બહુ વજનદાર છે પોટલી..’ વૃદ્ધ બોલ્યો, ‘હા, વજનદાર તો હોય જ ને, તેમાં હજાર એક એક રૂપિયાના સિક્કા છે.’ મજૂરના મનમાં થયું, હું તો પ્રમાણિક છું.

મને મારી મજૂરી સાથે મતલબ, પણ આ વૃદ્ધની ભૂલ છે. તેમણે આવી રીતે કોઈને કહેવું ન જોઈએ કે આ પોટલીમાં હજારો સિક્કા છે. આગળ એક નદી આવી ત્યાં નદીકિનારે મજૂરને અટકાવી વૃધ્ધે કહ્યું, ‘ભાઈ, મારાથી આ બે પોટલી સાથે નદી પાર નહીં થઇ શકે, તું આ એક લઇ લે. તને વધારે મજૂરી આપી દઈશ અને ભાઈ સંભાળીને આમાં હજાર ચાંદીના સિક્કા છે.’

હવે મજૂરથી ન રહેવાયું. તેને કહ્યું, ‘કાકા, હું તો પ્રમાણિક છું પણ તમે આમ પોટલીમાં શું છે તે બોલો નહિ,મારા સ્થાને બીજું કોઈ હશે અને તેની નિયત બગડશે તો..’  મજૂર રૂપિયાના સિક્કા અને ચાંદીના સિક્કાની પોટલી લઈને નદી પાર કરી ગયો.વૃદ્ધ ધીમેધીમે એક પોટલી લઈને નદી પાર કરીને આવ્યા.આગળ વધ્યા તો રસ્તામાં એક પહાડ આવ્યો.

હવે વૃદ્ધ ખૂબ થાક્યા હતા. તેમણે  ત્રીજી પોટલી પણ પેલા મજૂર માણસના હાથમાં આપી દીધી અને ઉમેર્યું, ‘ભાઈ, મજૂરીની ચિંતા ન કરતો, સંભાળીને પકડજે, આ પોટલીમાં સોનાના હજાર સિક્કા છે.’ આ સાંભળી અત્યાર સુધી પ્રમાણિક મજૂરનું મન પણ લલચાયું.તેણે વિચાર્યું, આ ઈમાનદારીએ મને આપ્યું શું? બેકારી ..મજૂરી તેના કરતાં લાવ આ ત્રણે પોટલી લઈને ભાગી જાઉં. આ વૃદ્ધ મને પકડી નહિ શકે.

આમ વિચારતાં વિચારતાં તે પહાડ ચઢતો હતો. ઘડી ઘડી પાછળ વળી જોતો તો વૃદ્ધ બહુ દૂર હતો. મજૂર ભાગવું કે ન ભાગવું ની ગડમથલમાં હતો.એક વાર તો ભાગવા લાગ્યો પણ તેના અંદરના સારા માણસે તેને અટકાવી દીધો.

અંતે તે પહાડની પેલી બાજુ પહોંચી ભાગ્યો નહિ અને વૃદ્ધની રાહ જોવા લાગ્યો.વૃદ્ધ આવ્યો અને તેણે મજૂરને ત્રણ પોટલીઓ સાથે ઊભેલો જોયો અને મજૂર પાસે જઈ કહ્યું, ‘અરે, તું અહીં ઊભો છે પોટલીઓ લઈને; મને એમ કે તું ભાગી જઈશ.’ મજૂરે કહ્યું, ‘સાચું કહું કાકા વિચાર આવ્યો હતો પણ મારી અંદરના સારા માણસે ના પાડી એટલે હું ન ભાગ્યો.’

વૃદ્ધ હસ્યા અને દાઢી મૂછ કાઢતા બોલ્યા, ‘શાબાશ, હું આ નગરનો રાજા છું. તું આજથી મજૂર નહિ, પણ મારા રાજ્યના ખજાનાનો રક્ષક મંત્રી છે.તારી ઇમાનદારીએ તને આ ફળ મેળવી આપ્યું છે.’ અંદરની સારપ અને ગુણ પર લાલચને કે અવગુણને જીતવા ન દો.    

  • આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top