SURAT

વેસુમાં આવેલા ભારતના પ્રથમ ડાયમંડ ઓક્શન હાઉસમાં પ્રથમ ઓક્શન લેબગ્રોન ડાયમંડનું કરાશે

સુરત: શહેરના વેસુમાં આવેલા ટાઇટેનિયમ સ્કેવરમાં 2200 સ્કવેર ફિટ જગ્યામાં ભારતનું પ્રથમ ડાયમંડ ઓક્શન હાઉસ GJEPC દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ 16મી ઓગસ્ટે સોમવારે GJEPCના ચેરમેન કોલિન શાહના હસ્તે કરવામાં આવશે. GJEPCના રિજ્યોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, 4 કરોડના ખર્ચે ઓક્શન હાઉસ તૈયાર થતાં જ ડાયમંડ કંપનીઓએ ઓક્શન માટેના બુકિંગ શરૂ કર્યા છે. પ્રથમ બુકિંગ લેબગ્રોન એટલે કે સિન્થેટિક ડાયમંડના ઓક્શન માટે નોંધાયું છે.

18થી 21 ઓગસ્ટ દરમિયાન ઓક્શન હાઉસની નવરત્ન ગેલેરીમાં સિન્થેટિક રફ ડાયમંડનું ઓક્શન સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી થશે. પ્રથમ ઓક્શનમાં કોઇપણ હીરા વેપારી ભાગ લઇ શકશે. જો કે KYCના આધારે ઓક્શન હાઉસમાં એન્ટ્રી મળશે. ઓક્શન હાઉસની 18 કેબિનમાં બાયરોને તબક્કાવાર ક્યુઆર કોડ અને હીરાના વિવરણ સાથે રફ ડાયમંડનો લોટ બતાવવામાં આવશે. તે પછી છેલ્લા દિવસે બાયર્સ ઓનલાઇન બીડ ભરીને હીરા ખરીદી શકશે.

હીરા વેપારીઓએ રફડાયમંડની ખરીદી ઓનલાઇન કરવાની રહેશે. આ સંપૂર્ણ ઓક્શનનું સ્ટ્રોગ રૂમમાંથી મોનિટરિંગ થશે. સુરતના હીરા ઉદ્યોગના બીજીવાર આ પ્રકારનું ઓક્શન થવા જઇ રહ્યું છે. પરંતુ સિન્થેટિક ડાયમંડનું ઓક્શન અધિકૃત ઓક્શન હાઉસમાં પ્રથમવાર થશે. ઓક્શન હાઉસમાં કોન્ફરન્સ રૂમ, વહિવટી ઓફિસ, સેફ ડિપોઝીટ વોલ્ટ, 18 કેબિન, સિક્યુરીટી અને લોકરની સુવિધા આપવામાં આવી છે. જે ડાયમંડ માઇનીંગ કંપની હીરા ઓક્શન કરવા માંગશે તેણે પ્રત્યેક દિવસનું 1 લાખ રૂપિયાનું ભાડુ ઓક્શન હાઉસને ચુકવવું પડશે.

Most Popular

To Top