કુવૈતમાં (Kuwait) બિલ્ડિંગમાં લાગેલી આગમાં મોટાભાગના ભારતીયોના મોત થયા છે. કુલ 49 મૃતકોમાંથી 40 ભારતીય છે. કુવૈતી સત્તાવાળાઓ મૃતકોના મૃતદેહની ઓળખ માટે ડીએનએ (DNA) ટેસ્ટ કરાવી રહ્યા છે. આ ઉપરાંત ભારતીય વાયુસેના ભારતીય મૃતકોના મૃતદેહોને પરત લાવવા માટે તૈયાર છે. અધિકારીઓએ જણાવ્યું કે આ માટે વાયુસેનાનું વિમાન તૈયાર છે. ભારતના વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના પર કુવૈતની મુલાકાતે છે.
કુવૈતમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નિર્દેશ પર વિદેશ રાજ્યમંત્રી કિર્તી વર્ધન સિંહ આગ દુર્ઘટનાના શિકાર બનેલા લોકોની સહાયતા માટેના પ્રયાસ કરી રહ્યા છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને તેમના વતન વહેલા પરત લાવવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરવા કુવૈત પહોંચી ગયા છે.
મંત્રીએ કહ્યું કે જેમ જ મૃતદેહોની ઓળખ થશે તેમના પરિવારોને જાણ કરવામાં આવશે. આ પછી મૃતદેહોને ભારત પરત લાવવામાં આવશે. તેમણે કહ્યું કે ઈમારતમાં આગ લાગવાને કારણે કેટલાક મૃતદેહો એટલી ખરાબ રીતે દાઝી ગયા હતા કે તેમની ઓળખ થઈ શકી નથી. બિલ્ડીંગની સીડીઓ પર ઘણા મૃતદેહો મળી આવ્યા હતા. ભારતનું એરફોર્સ વન પ્લેન મૃતદેહોને પરત લાવવા માટે તૈયાર છે.
કેરળના 24 લોકોના મોત થયા છે
કેરળ સરકારે કહ્યું કે કુવૈતમાં મૃત્યુ પામેલા કેરળના લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની અધ્યક્ષતામાં આજે સવારે કેબિનેટની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. બેઠકમાં વળતરની જાહેરાત કરવામાં આવી છે. કેરળ સરકાર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટનામાં રાજ્યના 24 લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. મૃતકો ઉપરાંત ઘાયલો માટે સરકારે 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. કેરળ સરકારે રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જને તાત્કાલિક કુવૈત મોકલવાનો નિર્ણય લીધો છે.
પીએમ મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો
આ ઉપરાંત પીએમ મોદીએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃત ભારતીય નાગરિકોના પરિવારો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની પણ જાહેરાત કરી હતી.
તમિલનાડુના પાંચ લોકોએ પણ જીવ ગુમાવ્યા
મળતી માહિતી મુજબ કેરળના 24 લોકો ઉપરાંત તમિલનાડુના પાંચ લોકો પણ અકસ્માતમાં સામેલ છે. તમિલનાડુના લઘુમતી કલ્યાણ અને બિન-નિવાસી તમિલ કલ્યાણ મંત્રી જીન્ગી કેએસ મસ્તાને ગુરુવારે આ માહિતી આપી હતી.