Gujarat

કચ્છ શાખા નહેરના ત્રણ તબક્કામાં પંપીંગ સ્ટેશન માટે 1445 કરોડનો ખર્ચ

ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં કચ્છ (Kutch) જિલ્લામાં પાણી પહોંચાડવા પંપીગ સ્ટેશન (Pumping Station) અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ શાખા નહેર દ્વારા કચ્છ જિલ્લામાં પીવાનું પાણી અને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ કેનાલ પર ત્રણ પંપીંગ સ્ટેશન પર અંદાજે ૧૮.૭૨ મીટરની ઊંચાઈએથી પાણી ઉદ્ધવહન કરીને પહોંચાડાય છે.

કચ્છ શાખા નહેર દ્વારા કચ્છ જિલ્લામાં પાણી પહોંચાડવા ત્રણ સ્થળે પંપીંગ સ્ટેશનો બનાવ્યા છે. જે પૈકી પંપીંગ સ્ટેશન-૧ અને પંપીંગ સ્ટેશન-૨ પ્રત્યેક ઉપર ૨૦ ક્યુમેકની ક્ષમતાના ૮ પંપ અને ૬ ક્યુમેકસની ક્ષમતાના ૩ પંપ રાખવામાં આવ્યા છે તથા પંપીંગ સ્ટેશન-૩ ઉપર ૨૦ ક્યુમેકસની ક્ષમતાના ૬ પંપ અને ૬ ક્યુમેકરની ક્ષમતાના ૩ પંપ રાખવામાં આવ્યા છે. જેની પાછળ રૂપિયા ૨૦૭.૨૩ કરોડનો ખર્ચ કરાયો છે.

કચ્છ શાખા નહેર માટે તા. ૩૧/૧૨/૨૦૨૨ની સ્થિતિએ અત્યાર સુધીમાં રૂ.૫,૮૧૮ કરોડનો ખર્ચ કરીને કચ્છ જિલ્લાને પીવાના પાણી અને સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. જેમાં બ્રાન્ચ, પેટા શાખા, પમ્પીંગ સ્ટેશન, કમાન્ડ એરિયા વિસ્તારના વિકાસ માટેના કામો હાથ ધર્યા છે. આ ઉપરાંત, દૂધઈ કેનાલ માટેના કામોના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ કેનાલ માટે ભૌગોલિક વિસ્તારને અનુરૂપ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેમાં સંપૂર્ણ અભ્યાસ બાદ યોગ્ય નિર્ણય લઈને સત્વરે કામ શરૂ કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં પાંચ વર્ષ અંતર્ગત લીંકીંગ સુવિધા થકી પાણી પહોંચાડવામાં રૂ.૩૫૭નો ખર્ચ કરાયો છે.

Most Popular

To Top