નર્મદાના પૂરના વધારાના પાણીમાંથી કચ્છને પાણી આપવા માટે 3475 કરોડના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે. છેલ્લા ૨૦ વર્ષથી વધુ સમયથી રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં ચૂંટણી ટાણે કચ્છને નર્મદાનું પાણી આપવામાં આવશે, તેવી મોટી મોટી જાહેરાતો આપવામાં આવે છે, વાસ્તવમાં કચ્છની જનતાને નર્મદાનું પાણી હજુ સુધી મળ્યું નથી, તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે, તેવી જાહેરાત ફરી એક વખત સોમવારે કરી છે. અગાઉ 2002માં તત્કાલીન મુખ્યમંત્રીએ કચ્છમાં પાણીની યોજનાની જાહેરાત કરી હતી. તેવી જ રીતે 2007માં પણ કચ્છને નર્મદાનું પાણી મળશે અને ધરતી લીલીછમ થશે. તેવી મોટી મોટી જાહેરાતો કરાઇ હતી. આ ઉપરાંત 2012, 2017માં નર્મદાના નીર કચ્છને આંગણે આવી પહોંચશે તેવી મોટી મોટી જાહેરાતો અને હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી કચ્છને નર્મદાનું પૂરતું પાણી મળ્યું નથી.
નર્મદાની કેનાલ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર, હજુ 78 ટકા કામ બાકી
ડૉ. મનીષ દોશીએ રાજ્યની ભાજપ સરકાર નર્મદા યોજનાના નામે રાજનીતિ કરી રહી હોવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે નર્મદાની કેનાલ બનાવવામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. હજુ સુધી માઇનોર કેનાલનું કામ 78 ટકા જેટલું બાકી છે. નર્મદાની કેનાલો બનાવવામાં, રિપેરીંગ કરવામાં તથા કેનાલોની પાઇપલાઇનના નામે કરોડોના કૌભાંડ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી નર્મદા નિગમમાં એન્જિનિયરોની અછત છે. મોટા ભાગના કામો આઉટસોર્સિંગથી કે અન્ય કોન્ટ્રાક્ટથી આપીને વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.