Sports

કમનસીબીનું બીજું નામ કુલદીપ યાદવ : છ વર્ષમાં માત્ર 8 ટેસ્ટ રમનાર કુલદીપ સાથે જ કેમ અન્યાય થાય છે?

બાંગ્લાદેશ સામેની ચિત્તાગોંગમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બંને દાવ મળીને કુલ આઠ વિકેટ લેનાર અને 40 રનની ઉપયોગી ઇનિંગ રમવા સાથે રવિચંદ્રન અશ્વિન સાથે 92 રનની ભાગીદારી કરવાના કારણે મેન ઓફ ધ મેચ બનેલા કુલદીપ યાદવની ગુરૂવારથી મીરપુર ખાતે શરૂ થયેલી  બીજી ટેસ્ટમાંથી બાદબાકી કરવામાં આવી ત્યારે બે વર્ષ પછી ટેસ્ટ રમનારા કુલદીપ યાદવ સાથે અન્યાય થયો હોવાની સોશિયલ મીડિયા પર બૂમરાણ મચી ગઇ હતી. બેશરમી તો જુઓ કે ટીમના સ્ટેન્ડ ઇન કેપ્ટન કેએલ રાહુલે તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર મૂકાયો હોવાની જાણ કરવાની તસ્દી સુદ્ધા લીધી ન હતી. બે વર્ષ બાદ ટીમમાં વાપસી કરીને મેચ વિનિંગ પ્રદર્શન કરનાર આ ચાઈનામેનની જગ્યાએ મીડિયમ પેસર જયદેવ ઉનડકટને તક મળી છે.

પિચમાં ભેજ છે અને ઝડપી બોલરોને મદદ મળવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા જયદેવ ઉનડકટને 12 વર્ષ બાદ વાપસી કરવાનો મોકો મળ્યો છે. પણ જ્યારે આ જ પીચ ત્રીજા દિવસથી ટર્ન લેવાનું શરૂ કરશે ત્યારે તમને ઝડપી બોલર નહીં પણ એક સ્પીનર જ કામ આવવાનો છે અને તે પણ એવો સ્પીનર કે જે પીચમાંથી મદદ ન મળતી હોય ત્યારે પણ પોતાની કાંડાની કરામત વડે બોલને ફેરવી શકે છે. આવા સ્પીનરને બહાર બેસાડવાનો મતલબ ન તો કેપ્ટન રાહુલ કોઇના ગળે ઉતરાવી શકે છે કે ન તો કોચ રાહુલ એમ કરી શકે તેમ છે.

મહત્વની વાત એ છે કે આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે સ્પિનરોનો સમાવેશ કરાયો છે તે  બંનેની બોલિંગની શૈલી અલગ છે. અશ્વિન જમણા હાથનો ઓફ સ્પિનર છે જ્યારે અક્ષર લેફ્ટ આર્મ ફિંગર સ્પિનર છે. ઉમેશ યાદવ, મહંમદ સિરાજ અને જયદેવ ઉનડકટના રૂપમાં ત્રણ ઝડપી બોલર સાથે મેદાનમાં ઉતરવાનો ભારતનો નિર્ણય વિચિત્ર કહી શકાય તેવો છે. જ્યારે ત્રીજા દિવસથી પિચ ટર્ન લેશે ત્યારે પીચની મદદ વગર પણ બોલને ટર્ન કરાવવાની કાબેલિયત ધરાવનારા સ્પીનરને સ્થાને એક ઝડપી બોલરનો સમાવેશ અચરજ પમાડે તેવો છે.

ભારતીય ટીમ પાસે સુભાષ ગુપ્તે, ભાગવત ચંદ્રશેખર, અનિલ કુંબલે જેવા મહાન રિસ્ટ સ્પિનરો હતા, જેઓ ટીમ ઈન્ડિયા માટે એકલા હાથે મેચ જીતતા હતા, પરંતુ એવું લાગે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ટીમ મેનેજમેન્ટ આ હથિયારનો ઉપયોગ કરવા માંગતું નથી. ગુરૂવારે જે રીતે કુલદીપ યાદવને તેના મેચ વિનિંગ પ્રદર્શન બાદ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો તે જ રીતે 2010માં અમિત મિશ્રા સાથે અન્યાય થયો હતો. તે સમયે  બાંગ્લાદેશ સામે ચિત્તાગોંગમાં આ લેગ-સ્પિનરને સાત વિકેટ ઝ઼ડપવા ઉપરાંત અડધી સદી ફટકાર્યા બાદ મીરપુરમાં રમાયેલી આગામી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો. કુલદીપ યાદવે ભારત માટે ફેબ્રુઆરી 2017માં ઓસ્ટ્રેલિયા સામે ધર્મશાલા ખાતે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે ભારત માટે ટેસ્ટ રમનાર પ્રથમ ડાબોડી રિસ્ટ સ્પીન બોલર હતો. 2017માં 2 ટેસ્ટ રમ્યા બાદ તેને 2018માં ત્રણ ટેસ્ટ, 2019માં એક, 2021માં એક અને 2022માં ફરીથી એક ટેસ્ટ રમવાની તક મળી. અને મેચ વિનીંગ પ્રદર્શન છતાં તેને બહાર મૂકવામાં આવ્યો છે.

ફેબ્રુઆરી 2019માં તે સમયના ટીમના કોચ રવિ શાસ્ત્રીએ એક નિવેદન આપ્યું હતું કે અમે જ્યારે વિદેશમાં ટેસ્ટ રમીશું ત્યારે સ્પીનર તરીકે કુલદીપ યાદવ અમારી પહેલી પસંદ હશે. એ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કુલદીપે સિડની ટેસ્ટમાં 5 વિકેટ ઉપાડી હતી. શાસ્ત્રીએ કહ્યું હતું કે કુલદીપે વિદેશમાં ટેસ્ટ રમીને પાંચ વિકેટ લીધી છે તેથી તે અમારો મુખ્ય વિદેશી સ્પીનર બન્યો છે. જો અમારે કોઇ એક જ સ્પીનર રમાડવાનો હોય તો અમે તેને પસંદ કરીશું. રવિ શાસ્ત્રીના આ નિવેદનના બે વર્ષ પછી ફેબ્રુઆરી 2021માં કુલદીપને ભારત વતી આગલી ટેસ્ટ રમવાની તક મળી હતી. તેણે બે વિકેટ લીધી અને તે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઇ ગયો.

લગગભગ 22 મહિના પછી કુલદીપને ફરી ભારત વતી ટેસ્ટ રમવાની તક મળી અને તેણે એ મેચમાં કુલ 8 વિકેટ ઉપાડી, જે પીચ પર સીનિયર સ્પીનર રવિચંદ્રન અશ્વિને ઝઝુમવુ પડ્યું હતું તે પીચ પર કુલદીપે પોતાના કાંડાની કરામતથી બાંગ્લાદેશીઓને નચાવ્યા હતા. જો કે તેમ છતાં તેને ફરી એકવાર બહાર મૂકવામાં આવ્યો છે ત્યારે એમ થાય છે કે કુલદીપ સાથે જ આ અન્યાય શા માટે થાય છે. જો તમારે બહાર જ બેસાડવાનો હતો તો તમારી પાસે અક્ષર પટેલ હતો જેને બહાર બેસાડી શકાયો હોત. પણ તેને સ્થાને કુલદીપનો જ ભોગ લેવાયો. તેના કારણે એમ માનવાને કારણ મળે છે કે કુલદીપ સાથે ટીમ ઇન્ડિયાને કોઇ પૂર્વગ્રહ છે કે જેનાથી કુલદીપ યાદવના નામ સાથે કમનસીબી શબ્દ જોડાઇ ગયો છે.

Most Popular

To Top