રાજકોટ: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ વધ્યો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સાથે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આ સમય પૂર્ણ થતા હવે આજે તા. 6 એપ્રિલે ગાંધીનગર કમલમ કચેરીની સામે 7 જેટલી છત્રિયાણીઓ જોહર કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેના માટે ક્ષત્રિયાણીઓએ હાથમાં મહેંદી મૂકી જોહરની તૈયારીઓ શરૂ કરી હતી.
આ સમાચાર મળતા જ તંત્ર દોડતું થયું અને 5 ક્ષત્રિયાણીઓને બોપલના એક મકાનમાં નજરકેદ કરી લેવામાં આવી હોવાનો દાવો ગીતાબાએ કર્યો છે. હિલાઓના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજપૂત સમાજના અનેક લોકો મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ક્ષત્રિય મહિલાઓએ જોહરની આપેલી ધમકીના પગલે ગાંધીનગર કમલમની બહાર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
રૂપાલા સામેનો વિરોધ આક્રમક બન્યો
પુરુષોત્તમ રૂપાલા સામેનો વિરોધનું આંદોલન હવે ખૂબ જ આક્રમક બન્યું છે. મહિલાઓની ધીરજ હવે ખૂટી રહી હોય તેમ લાગી રહ્યું છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજની કેટલીક મહિલાઓએ 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ સમય પૂર્ણ થતા જ હવે આ મહિલાઓ આક્રમક મૂડમાં આવે છે, અને જોહર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવતીકાલે ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે સાંજે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે સાત જેટલી ક્ષત્રિયાણીઓએ માટેની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
રૂપાલા નરેન્દ્ર મોદીને એવું તે શું આપે છે કે તેમની ટિકિટ રદ કરવા તૈયાર નથી: પ્રજ્ઞાબા ઝાલા
આજે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહિલા અગ્રણી પ્રજ્ઞાબા ઝાલા અને ચેતનાબા જાડેજાએ જણાવ્યું હતું કે જે રીતે પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની માં બહેનોને અપમાનિત કરવામાં આવી છે. જે કોઈપણ સંજોગોમાં સાખી લેવામાં આવશે નહી. રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની મહિલાઓની અસ્મિતા પર ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે.
ક્ષત્રિય સમાજ દ્વારા વારંવાર બેઠકો અને ચર્ચાઓ કરવામાં આવી તેમ છતાં રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવતી નથી. નરેન્દ્ર મોદી શા માટે રૂપાલાની ટિકિટ રદ કરતા નથી ? તે સમજાતું નથી ? શું ક્ષત્રિય સમાજ કરતાં રૂપાલા મોટા છે, રૂપાલા નરેન્દ્ર મોદીને એવું તે શું આપે છે કે તેઓ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી શકતા નથી. રૂપાલાની ટિકિટ રદ કરીને અન્ય કોઈ પાટીદાર સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં આવે, તો પણ અમને કોઈ વાંધો નથી. અમને પાટીદાર સમાજ સામે કોઈ જ વાંધો નથી માત્ર પુરુષોત્તમ રૂપાલા સામે વાંધો છે.