Gujarat

ક્ષત્રિયો આંદોલનના બીજા તબક્કામાં ભાજપનો દેશવ્યાપી વિરોધ કરશે, 19મી સુધીનું અલ્ટીમેટમ

ગાંધીનગર: (Gandhinagar) પુરસોત્તમ રૂપાલાના (Purshottam Rupala)) ફોર્મ પરત ખેંચવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. ગઈકાલે રાજકોટમાં ક્ષત્રિય સમાજના અસ્મિતા મહાસંમેલનના જબરજસ્ત પ્રતિસાદ બાદ હવે ક્ષત્રિય સમાજે આંદોલનના બીજા તબક્કાની શરૂઆત કરી દીધી છે. ગઈકાલે રાજકોટમાં ક્ષત્રિય સમાજના સંગઠનોની સંકલન સમિતિ દ્વારા 19મી સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો 19મી સુધીમાં રૂપાલાનું ફોર્મ રદ નહીં થાય તો, ક્ષત્રિય સમાજ આંદોલનના ફેઝ-2ના ભાગરૂપે અમદાવાદમાં દેશભરમાં ક્ષત્રિયો ભેગા થાય, તેવી રણનીતિ બનાવવામાં આવી રહી છે. જેમાં ક્ષત્રિયો સીધા જ ભાજપનો વિરોધ કરવાનું એલાન કરશે.

  • 19મી સુધીમાં રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમદાવાદમાં દેશભરના ક્ષત્રિયોને ભેગા કરવા રણનીતિ
  • અસ્મિતા મહાસંમેલનમાં ક્ષત્રિય અગ્રણીઓના શિસ્ત, ધૈર્ય અને અડગ નિશ્ચયને જોતાં મોટી નવાજૂની થવાના અણસાર

ક્ષત્રિય સમાજના આંદોલનના બીજા તબક્કા અંગે મળતી માહિતી મુજબ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના અગ્રણીઓ સમાજના જુદા જુદા સંગઠનોના આગેવાનો સાથે તેમજ દેશભરના રાજવી પરિવારના લોકો તેમજ રાજ્ય બહારના ક્ષત્રિય સંગઠનો સાથે વાતચીત કરી રહ્યા છે અને આ મુદ્દે આરપારની લડાઈ લડી લેવા તૈયારીઓ શરૂ કરી છે.

રાજકોટમાં ગઈકાલે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનને ખૂબ જ મોટો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને લાખોની સંખ્યામાં ક્ષત્રિયો સંમેલનમાં ઉમટી પડ્યા હતા. આ સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજે ધૈર્ય અને શિસ્તનો પરિચય પણ કરાવ્યો હતો. દસ દસ કિલોમીટર લાંબી લાઈનો હોવા છતાં તેમજ લોકો પાંચ પાંચ કિલોમીટર સુધી ચાલીને સંમેલનના સ્થળ સુધી પહોંચ્યા છતાં પણ સૌ કોઈએ ધીરજ અને સંયમ દાખવ્યો હતો. આ અભૂતપૂર્વ સફળતા બાદ હવે ક્ષત્રિય સમાજના આગેવાનોમાં આત્મવિશ્વાસ સાથે જુસ્સો પણ વધ્યો છે. જે રીતે સમાજનું સમર્થન મળી રહ્યું છે, તે જોતાં આગામી આંદોલનનો બીજો તબક્કો ખૂબ જ આક્રમક બની રહે તો નવાઈ નહીં.

જે રીતે પાટીદાર સમાજે અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે પાટીદાર અનામત આંદોલનનું રણશિંગું ફૂંક્યું હતું, તેવી જ રીતે હવે ક્ષત્રિય સમાજ પણ આ આંદોલનને દેશવ્યાપી સ્વરૂપ આપવા અને ત્યાંથી આ આંદોલનને દિલ્હી સુધી લઈ જવા માટે બીજા તબક્કાની શરૂઆત કરી દીધી છે. હવે જોવાનું એ રહે છે કે 19મી સુધીમાં રૂપાલાનું ફોર્મ પાછું ખેંચાય છે કે નહીં.

Most Popular

To Top