Business

જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભગવાનને પહેરાવવાના વસ્ત્રોનું વેચાણ ખુબ સારૂ રહ્યું

સુરત: કોરોના (Corona)ની પ્રથમ અને બીજી લહેર પછી સુરત (Surat)ના કાપડ ઉદ્યોગ (Textile industry)ને હવે કળ વળી છે. જન્માષ્ટમી (Janmastami)ના પર્વ પહેલા ભગવાન (Lord krishna)ને પહેરાવવાના વસ્ત્રોનું વેચાણ બે વર્ષ પછી ખુબ સારૂ રહ્યું છે. 2020માં કોરોનાને લીધે વેપાર થયો ન હતો તેને લીધે છેક 2019થી સ્ટોક (stock) કરવામાં આવેલો માલ પડી રહયો હતો પરંતુ ચાલુ વર્ષે સુરત (Surat)માં અને દેશમાં સ્થિતિ નિયંત્રણમાં આવતા ભગવાનના વસ્ત્રોનું મોટા પાયે વેચાણ થયું છે.

કાપડ માર્કેટના અગ્રણી હરેશ લાલવાણીએ જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિમાં સુધારા સાથે ધંધા વેપાર શરૂ થતા ચાલુ વર્ષે ભગવાનના વાઘાનું વેચાણ વધ્યું છે. ખાસ કરીને વેલ્વેટના વસ્ત્રો મોટા પાયે વેચાયા છે. વેલ્વેટના વસ્ત્રો 150 થી 350ની રેન્જમાં વેચાયા છે. જયારે 90 થી 175 રૂા.માં સાદા સિલ્ક અમ્બ્રોઇડરી વર્ક વાળા ફેબ્રીકસનું વેચાણ થયું છે. સસ્તા વસ્ત્રોમાં જરી બ્રોકેટ અને જેકાર્ડના વસ્ત્રો 45 થી 90 રૂા.ની કિંમતે વેચાયા છે. નોરતાની ખરીદી પણ અત્યારથી શરૂ થઇ છે. હિન્દીભાષી રાજયોમાંથી માતાજીની ચૂંદડીના ઓર્ડર મળ્યાં છે. અમેરિકન રોટો અને ફોઇલ પ્રિન્ટની આઇટમની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. એવી જ રીતે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને બિહારમાં દુર્ગા પૂજાની ખરીદી જોવા મળી છે. ગણેશોત્સવ માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોટી અને ધોતીયાનું વેચાણ થયું છે જેમાં જેકાર્ડ ફોઇલ અને પ્લેન સાર્ટીન તથા વેલ્વેટના વસ્ત્રોનું વેચાણ વધારે રહ્યું છે.

જન્માષ્ટમીના પર્વને લઇ આ વસ્તુઓનું પણ ધૂમ વેચાણ થયું
જન્માષ્ટમીના પર્વને લઇ ભગવાનના વાઘા ઉપરાંત પ્રતિમા, પારણુ, બુટ્ટી, કુંડળ, ચંદન, ખેસ, પીત્તળ, ચાંદી અને સોનાના હારની પણ પ્રમાણમાં સારી ખરીદી જોવા મળી છે તેને લીધે મૂર્તિકાર, જવેલર્સને સારી આવક થઇ છે.

જન્માષ્ટમીને લીધે આસોપાલવ અને ગલગોટાના ભાવ 20 ટકા વધ્યા
જન્માષ્ટમી પર્વને લીધે શહેરના અશ્વિનીકુમાર રોડ ફુલ માર્કેટમાં આસોપાલવના પાન અને ગુલાબ તથા ગલગોટાના ફૂલના ભાવમાં આજે 20 ટકાનો વધારો જોવા મળ્યો છે તે ઉપરાંત કેળા અને કોઠાના પાન તથા રંગબેરંગી ફૂલોની તોરણના ભાવ પણ સામાન્ય દિવસો કરતા 20 ટકા વધુ રહયા છે. આવતી કાલે તેના ભાવમાં વધુ 10 ટકાનો વધારો જોવા મળી શકે છે.

Most Popular

To Top