આ જગતમાં બધા એ વાતથી પીડાય છે કે મને જે મળ્યું છે એ ઓછું છે, પણ કોઈ એવું નથી માનતું કે મારામાં બુદ્ધિ ઓછી છે. મૂર્ખ કાલિદાસમાંથી જ્ઞાની કાલિદાસ રાતોરાત નથી બની શકાતું. વાલિયામાંથી વાલ્મિકી બનવા માટે મનને ધક્કો લાગવો જરૂરી છે. માહિતી અને જ્ઞાનનાં પગથિયાં ચઢીએ પછી જ “ડહાપણ” ના શિખરે પહોંચાતું હોય છે. ભલભલા કથિત હોશિયારો અને નિષ્ણાતો ઘણી વખત ગોથું ખાઈ જતાં હોય છે, કારણકે ડહાપણનો અભાવ હોય છે. કોઈ ક્ષેત્રના વિશેષ જ્ઞાની બનવું સરળ છે પણ સામાન્ય જ્ઞાની બનવું અઘરું છે.
કોઈ વિષયમાં સૂઝ હોવી એ સામાન્ય બાબત છે પણ કોઠાસૂઝ હોવી એ અસામાન્ય બાબત છે.મહાન વૈજ્ઞાનિક ન્યુટનના નામે એક વાત ફરે છે કે, એણે મોટી બિલાડી માટે મોટું અને નાની બિલાડી માટે નાનું કાણું દરવાજામાં પાડેલું. કોઈ ક્ષેત્રમાં કે વિષયમાં માણસ નિષ્ણાત હોય તેથી તે બધા જ વિષયોમાં નિષ્ણાત હોય એવું નથી. પ્રતિભાની એક સરસ વ્યાખ્યા એ છે કે, જે કામ આવડતથી પણ ન થાય એ કામ જે કરી બતાવે એ પ્રતિભાવાન કહેવાય.
અમિતાભ બચ્ચન દેવામાં ડૂબી ગયા પછી એમની કોઠાસૂઝ કામ લાગી.એમણે વિચાર્યું કે આમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય? એમણે વિચાર્યું કે મારી પાસે એક જ સ્કીલ છે અને તે છે એક્ટિંગ. અંતે એક્ટિંગ જ દેવામાંથી બહાર આવવા માટે મદદરૂપ બની. દેશ આઝાદ થયો પછી ૫૬૫ રજવાડાંઓનું વિલીનીકરણ કરવાનું ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલ જ કરી શકે કારણકે સરદાર સાહેબ પાસે જે કોઠાસૂઝ હતી એવી અન્ય કોઈ નેતા પાસે નહોતી. સૂઝ હોય તો પૈસા કમાઈ શકાય છે, પણ વાપરવા માટે તો કોઠાસૂઝ જ જોઈએ. સૂઝ હોય તો સત્તા કે ખુરશી સુધી પહોંચી શકાય છે પણ સુશાસન તો કોઠાસૂઝ હોય તો જ થઈ શકે છે.
સુરત – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.