કોસંબા: (Kosamba) કોસંબા પોલીસ સ્ટેશન (Police Station) હદ વિસ્તારમાં કુવારદા ગામની સીમમાં આવેલ વિશ્વાસ રેસીડેન્સીમાં ચોરો ત્રાટક્ટા હતા. બે મહિના પહેલા પણ અહીં ઘરફોડ ચોરી થઈ હતી. ત્યાં તો ગતરાત્રિએ ફરી ચોરો ત્રાટક્યા હતા. રાત્રે 3:30 વાગ્યાના સમયે સાત જેટલા ચોરો અહીં ત્રાટક્યા હતા. પરંતુ સ્થાનિક લોકો જાગી જતા અને ભેગા થઈ હિંમત દાખવીને ચોરટાઓનો સામનો કરતા સાતેક જેટલા ચોરો ઉભી પૂંછડીએ ભાગી છુટ્યા હતા.
કુવારદાની વિશ્વાસ રેસીડેન્સીમાં 125 જેટલા ઘર છે. અને આ સોસાયટી ઓછી વસ્તીવાળા જંગલ જેવા એરિયામાં આવી છે. બે મહિના પહેલા ત્યાં રહેતા વિજયભાઈ નામના વ્યક્તિના ઘરે ચોરોએ ઘરફોડ ચોરી કરી હતી. જ્યારે ગત રાત્રે સાત જેટલા ચોરો હાથમાં લોખંડના સળિયા લઈને ચોરી કરવા માટે આવ્યા હતા. પરંતુ લોકોએ જોઈ લેતા અને બુમરાણ મચાવતાં ભેગા થયેલા લોકોએ ચોરો નો પીછો કરતા અંધારાનો લાભ લઈને ચોરટાઓ ભાગી છુટ્યા હતા. સોસાયટીમાં રહેતા નરપતભાઈએ કોસંબા પોલીસ મથકના અમલદારને વોટ્સએપ દ્વારા મેસેજ પાઠવી જાણ કરવામાં આવી હતી પરંતુ પોલીસની મદદ લોકોને મળી ન હતી. આખરે સોસાયટીના તમામ લોકો એકત્ર થઈને હિંમતભેર ચોરોનો સામનો કરતા ચોરટા ભાગી છુટ્યા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અગાઉ આ વિસ્તારમાં વિજયભાઈ ના ઘરે ઘરફોડ ચોરી થઈ હતી અને જે બાબતે પોલીસે પ્રાથમિક તપાસ પણ કરી હતી અને ફરિયાદ દાખલ કરવાની બાંહેધારી પણ આપી હતી. બીજી તરફ સ્થાનિક લોકો રોષ જોવા મળ્યો હતો કે પોલીસ રાત્રીના સમયે નાઈટ પેટ્રોલિંગ કરે. આ વિસ્તારના લોકો અસલામતી અનુભવી રહ્યા છે. કોસંબા પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવીને પેધા પડેલા ચોરટાઓને ઝબ્બે કરી અસલામત લોકોને સલામતી બક્ષે એવી વિસ્તારના લોકોએ માંગ કરી છે.