કોસંબા હાઈવે પર આ હોટલના કમ્પાઉન્ડમાંથી લાખોનો ઈંગ્લિશ દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો

હથોડા: કોસંબા (Kosamba) પોલીસે બાતમીના આધારે મહુવેજ ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર આસપાસ આવેલી હોટલ (Hotel) આશીર્વાદના કમ્પાઉન્ડમાંથી રૂ.24 લાખનો ઈંગ્લિશ દારૂ (Alcohol) ભરેલો ટેમ્પો ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. કોસંબા પોલીસને બાતમી મળી હતી કે, એક મરુન કલરનો એમ.એચ. 04 જેયુ 8621 નંબરનો ટેમ્પો મહુવેજ ગામની નજીક હાઈવેની આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં આવ્યો છે. અને ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે. જેથી કોસંબા પોલીસે (Police) ઘટના સ્થળે ધસી જઈ તપાસ કરતાં બાતમીદારની બાતમી સાચી ઠરી હતી. પોલીસે ટેમ્પોમાં તપાસ કરતાં ટેમ્પોમાંથી રૂ.24,73,000 હજારની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, પોલીસને જોઇને ટેમ્પોચાલક અલ્લારખ્ખા તમાસીખાન ભાગી છૂટ્યો હતો. કોસંબા પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો તેમજ ટેમ્પો મળી રૂ.34,80,000 હજારનો મુદ્દામાલ કબજે લઇને ટેમ્પોચાલક અલ્લારખ્ખા તમાસીખાન (રહે.,ઝાલોર)ને વોન્ટેડ જાહેર કર્યો હતો.

તાંતીથૈયામાં 14 વર્ષની સગીરાનું સામે રહેતો યુવક લગ્નની લાલચે અપહરણ કરી ગયો
પલસાણા: મૂળ મધ્યપ્રદેશના અને હાલ પલસાણાના તાંતીથૈયા ગામે આવેલ રાધે સોસાયટીમાં રહેતા પરિવારની 14 વર્ષીય દીકરીને તેના ભાઈએ ગત તા.5 જન્યુઆરીએ સામે રહેતા શુભમ અખિલેશ પાસવાન સાથે વાત કરતા જોઈ હતી. એ બાદ ગત તા.8 જાન્યુઆરીએ સવારે સગીરા ઘરમાં નહીં મળતાં શંકાના આધારે પરિવારે સામે રહેતા શુભમ પાસવાનને ત્યાં તપાસ કરતાં તે પણ નહીં મળી આવતાં પરિવારે શુભમ પાસવાન બિહાર તરફ લઈ ગયો હોવાનું જણાઈ આવતાં પરિવારે બિહાર તપાસ કરી હતી. જે બાદ પણ નહીં મળી આવતાં સગીરાના પિતાએ શુભમ પસવાન વિરુદ્ધ શંકાના આધારે સગીરાને લગ્નનની લાલચે ભગાડી ગયાના આરોપ સાથે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસમથકના ફરિયાદ આપી હતી.

નર્મદા જિલ્લાના ફેક ડિગ્રી-માર્કશીટ કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો
રાજપીપળા: રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ગત 10/12/2021ના રોજ બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન માટે આવ્યા બાદ ડિગ્રી સર્ટીફિકેટ અને વેબ સાઇટ ફેક બનાવેલી હોવાનું બહાર આવતાં રજિસ્ટ્રાર દ્વારા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકરસિંહની સૂચનાથી આ બાબતની તપાસ માટે નર્મદા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. એ.એમ.પટેલ સહિત એમની ટીમ ફેક વેબ સાઈડ બનાવનારની ઓળખ કરી હતી. તપાસ દરમિયાન એ ફેક ડિગ્રી અને વેબસાઈટ દિલ્હીની બેઉલા નંદરેવ બીસી નંદ (રહે.,4-એ, નંબર-14, રાજાપુરી રોડ, ઉત્તમનગર) હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવના વધુ એક આરોપી બેઉલાનંદના સાથી એજન્ટ એવા દિલ્હી ખાતે રહેતા વરુણને ઝડપી લેવાયો હતો. બંને આરોપીના ગુરુવારે રાજપીપળાની કોર્ટમાં વધુ રિમાન્ડ માટે પોલીસે માંગણી કરતાં 30 જાન્યુઆરી સુધીનાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હતાં.

Most Popular

To Top