Vadodara

SSGHમાં કોરોના વોર્ડ ખાલી થતાં સ્ટાફે ગરબે ઘૂમી માઁ આદ્યશક્તિની પ્રાર્થના કરી : મીઠાઈ વહેંચી

વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી અને વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ઘણા લાંબા સમય બાદ શુક્રવારે કોરોના નો એક પણ કેસ નહીં નોંધાતા તેમજ કોવિડ વોર્ડ ખાલીખમ બનતા સમગ્ર મેડિકલ સ્ટાફમાં ખુશીની લહેર ફેલાઈ હતી. સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ વહીવટી અધિકારીઓ તેમજ કોવિડ વોર્ડની ટીમે કોવિડ બિલ્ડીંગ બહાર હોસ્પિટલના પટાંગણમાં ગરબે ઘૂમી મીઠાઈ વહેંચી આવી પરિસ્થિતિ સદૈવ બની રહે તેવી માં આદ્યશક્તિને પ્રાર્થના કરી હતી.

સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયર અને કોવિડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.ને સાથે રાખીને તબીબો, નર્સિંગ સ્ટાફ, સહાયક સ્ટાફ અને સેવકો, સહુએ સાથે મળીને માં આદ્યશક્તિને પરમ કૃપાળુ પરમાત્માને ખુદા અને જીસસને સહુની આસ્થા પ્રમાણેના પ્રભુ સ્વરૂપને વિનમ્ર હૃદયે આવી કોવિડ મુક્ત પરિસ્થિતિ કાયમ રાખવા ખરા દિલથી પ્રાર્થના કરી હતી.અને એક બીજાને ખુશાલીની મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કર્યું હતું.

જ્યારે આગામી નવરાત્રી જાણે કે આજ થી શરૂ થઈ હોય તેવા ઉમંગ સાથે સહુએ કોવિડ વોર્ડ બહાર ગરબા કર્યા હતા.આપણે હાલ પુરતા કોવિડ સામે જીત્યા છે એવી લાગણી વ્યક્ત કરતાં તબીબી અધિક્ષકે જણાવ્યું કે હજુ પણ પડોશી સહિત અન્ય રાજ્યોમાં કોવિડ છે. ચેપ આપણા સુધી આવી શકે માટે તમામ સાવચેતી રાખવામાં જ ભલાઈ છે. તમામે માસ્ક અવશ્ય અને હંમેશા પહેરવુ, બજારોમાં અને તમામ જાહેર સ્થળોમાં પ્રસંગોમાં , કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ પાળવું એ અનિવાર્ય છે.આજે ખુશીનો પ્રસંગ છે કે છેલ્લા 17-18 મહિનાથી આ કોવિડ વિભાગ આ બિલ્ડિંગ અને સમરસ હોસ્ટેલ કોવિડના દર્દીઓથી ઉભરાતી હતી.એક સમયે મહત્તમ 800 જેટલાં દર્દી દાખલ હતા.શહેર જીલ્લા અને મધ્ય ગુજરાતના રાજ્યના અન્ય જીલ્લાઓ અને પડોશી રાજ્યોના દર્દીઓ દાખલ હતાં.

આજે હાલ પૂરતી દાખલ દર્દીઓની સંખ્યા શૂન્ય થઈ છે.કોવિડ ઓપીડીમાં નવા દર્દીઓ મળતાં નથી. ડો. બેલીમે જણાવ્યું કે હાલમાં છેલ્લા ચાર પાંચ દિવસથી કોવિડ ઓપીડીમાં ખૂબ ઘટાડો થયો છે.રેપિડ ટેસ્ટ જેટલાં થયાં એટલા નેગેટિવ આવ્યા છે.અમે ખૂબ વિકટ લડાઈ સાથે મળીને લડ્યાં છે.ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવ,વહીવટદાર અશોકભાઈ પટેલ, સલાહકાર ડો.મીનુ પટેલ,મેડિકલ કોલેજના ડીન જાવડેકર અને તબીબી અધિક્ષક ડો.ઐયર સહિત સહુ સતત સાથે રહ્યાં છે.અમને સહુને પ્રોત્સાહિત કર્યા છે.

Most Popular

To Top