હાલમાં નાઇજીરિયાની સરકારે ભારતીય માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ કૂ પર પોતાનું સત્તાવાર એકાઉન્ટ સ્થાપિત કર્યું છે, જે સાથે આ આફ્રિકન દેશમાં કૂ વધુ પ્રચલિત બને તે માટેનો માર્ગ મોકળો થયો છે.આ ઘટનાક્રમ એના પછી સર્જાયો છે જ્યારે નાઇજીરીયન સરકાર અને ટ્વીટર વચ્ચે મડાગાંઠ સર્જાઇ . કેટલાક સમય પહેલા નાઇજીરીયન સરકારે જાહેરાત કરી હતી કે તે પોતાના દેશમાં અમેરિકન સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરને અચોક્કસ મુદ્દત સુધી બંધ કરે છે. કૂના સહ-સ્થાપક અને સીઇઓ અપ્રમેય રાધાકૃષ્ણને કૂ પર કરેલ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે નાઇજીરિયાની સરકારનું સત્તાવાર હેન્ડલ હવે કૂ પર છે! રસપ્રદ રીતે તેમણે આ માહિતીટ્વીટર પર પણ શેર કરી હતી અને કહ્યું હતું કે નાઇજીરિયાની સરકારના એટકૂઇન્ડિયા પર સત્તાવાર હેન્ડલને ઘણો ઉષ્માભર્યો આવકાર: કૂ હવે ભારતની બહાર પોતાની પાંખો પ્રસારે છે.નાઇજીરીયન પ્રમુખ મુહમ્મદ બુહારીએ એક અલગતાવાદી ચળવળ અંગે કરેલી એક વિવાદાસ્પદ ટ્વીટ ટ્વીટરે દૂર કર્યા બાદ નાઇજીરીયન સરકારે આ પગલું ભર્યું હતું. આના પગલે કૂએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ નાઇજીરિયામાં ઉપલબ્ધ છે અને તે હવે આ દેશના યુઝરો માટે નવી સ્થાનિક ભાષાઓ ઉમેરવા માટે આતુર છે.
રાધાકૃષ્ણ અને મયંક બિદવાત્કા દ્વારાસ્થાપવામાં આવેલ કૂ ગયા વર્ષે ભારતમાં લોન્ચ થયું હતું. તે હિન્દી, તેલુગુ અને બંગાળી સહિત ઘણી ભાષાઓને સપોર્ટ કરે છે. આ સ્વદેશી પ્લેટફોર્મ પર ભારતમાં હાલ ૬૦ લાખ જેટલા યુઝરો છે. ભારત સરકાર અને ટ્વીટર વચ્ચે તાજેતરમાં સર્જાયેલ સંઘર્ષ વચ્ચે ભારતમાં તેની લોકપ્રિયતા વધી છે. હવે તે નાઇજીરીયામાં કંઇક સ્વીકૃતિ પામ્યું છે તે સાથે તે ભારતની બહાર પાંખો પ્રસારી તો ચુક્યું છે પણ આ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ માટે ટ્વીટરનું એક બળિયું હરીફ બનવાનું પણ હાલ તો ઘણું મુશ્કેલ છે.
તેણે ટ્વીટરને હરીફાઇ આપી શકે તે સ્તરે પણ પહોંચવા માટે હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. અને ટ્વીટરનું બરાબરીયું કે તેનાથી આગળ નીકળી જવા માટેની મંઝિલ તો તેના માટે હજી ઘણી જ દૂર છે, અને બની શકે કે તે મંઝિલે પહોંચતા પહેલા માર્ગમાં બીજા હરીફો પણ આવી ગયા હોય. હાલમાં ટ્વીટરનું એક મજબૂત હરીફ વિશ્વમાં હાજર છે જ અને ઠીક ઠીક લાંબા સમયથી હાજર છે, અને આ હરીફ છે ચાઇનીઝ ટ્વીટર તરીકે જાણીતું માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ – વેઇબો.
જો કે આ વેઇબોને ચીનની બહાર જવામાં બહુ રસ હોય તેમ જણાતુ નથી. ચીનમાં ટ્વીટર ગેરહાજર છે અને ચીનના લોકો વેઇબોથી કામ ચલાવે છે. ચીન જેવા બિનલોકશાહી અને બંધિયાર માહોલ ધરાવતા દેશમાં લોકો પાસે ટ્વીટરના માધ્યમથી વિશ્વ સાથે જોડાયેલા રહેવાનો વિકલ્પ નથી અને ભારત જેવા લોકશાહી દેશમાં લોકો પાસેથી આ વિકલ્પ છીનવાઇ જાય તો ઘણો ઉહાપોહ થઇ શકે તે પણ નક્કી છે.
કૂ એક ભારતીય માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ તરીકે જાણીતુ થયું છે તે બાબતે ભારતીયોને ગર્વ હોય જ. પરંતુ આ કૂ પ્લેટફોર્મનો વ્યાપ મર્યાદિત છે અને ચીનના લોકો જેમ વેઇબો પુરતા મર્યાદિત થઇ ગયા છે તેમ ફક્ત કૂના પ્લેટફોર્મથી કામ ચલાવી લેવાનું એકંદરે મુક્ત વાતાવરણમાં ઉછરેલા ભારતીય યુઝરોએ ફાવે પણ નહીં, કૂ એક વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે પ્રસ્થાપિત થાય તો વાત જુદી છે પરંતુ આપણે આગળ જોયું તેમ વૈશ્વિક કક્ષાએ ગજું કાઢવા હાલ તો કૂએ ઘણા કપરા ચઢાણ ચડવા પડે તેમ છે. નાઇજીરીયાની સરકારે ભલે કૂ પર પોતાનું સત્તાવાર હેન્ડલ બનાવ્યું પણ વિશ્વના અન્ય દેશોમાં કૂ પોતાનો કેટલો પ્રસાર કરી શકે તે હાલ તો એક પ્રશ્ન છે. વળી, નાઇજીરીયામાં પણ ટ્વીટરને હંગામી રીતે બંધ કરાયું છે. કૂને કેટલાક સારા રોકાણકારો અલબત્ત, મળ્યા છે, અને અડધો કરોડથી વધુ યુઝરો પણ મળ્યા છે છતાં ટ્વીટરની સરખામણીમાં તો આ કશું નથી, ત્યારે ભવિષ્યમાં તે કેવું અને કેટલું ગજું કાઢે છે તે સમય જ બતાવશે.