Columns

વાલિયા તાલુકામાં અંદાજે 7 હજારની વસતી ધરાવતું અને સંપીલું ગામ એટલે કોંઢ

અંકલેશ્વરથી પૂર્વ ભાગમાં જતા અને વાલિયા તાલુકામાં પહેલું આવતું કોંઢ ગામ અંદાજે 7 હજારની વસતી ધરાવે છે. કોંઢ ગામમાં તમામ જ્ઞાતિના લોકો રહેતા હોવાથી સર્વધર્મ સમભાવની જેમ રહે છે. કોંઢ ગામમાં આદિવાસી, મુસ્લિમ, પારસી, સલાટ, હરિજન, બ્રાહ્મણ, દેસાઈ, પંચાલ અને પ્રજાપતિ સહિતના લોકો એક સંપથી રહે છે. આ ગામ માટે આશ્ચર્યકારક બાબત એ છે કે, વર્ષ-1999માં આખા ગામની સીમમાં ક્યાંય મીઠા પાણીના ઝર ફૂટતા ન હતા. જેને કારણે ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હતા. વર્ષ-2000માં કચ્છમાં ધરતીકંપ આવ્યા બાદ જમીનના તળ સુધર્યા હતા. બાદ કોંઢ ગામે નોંધપાત્ર ફેરફાર થવાથી ખેડૂતોને મીઠા પાણીના ઝરણા મળતાં ગામની મોટા ભાગે જમીન પિયત બની ગઈ છે. જો કે, સમયાંતરે ત્રણેક કૂવામાં મીઠું પાણી મળતાં ગ્રામજનો પીવામાં ઉપયોગ કરે છે. એ માટે ગ્રામ પંચાયતે મોરા ફળિયામાં મીઠા પાણીના કૂવા પાસે જ ટાંકી બનાવતાં સૌ ગ્રામજનોને પાણી મળતું થયું છે. કોંઢ ગામના શરૂઆતથી હમણાં સુધીના જે પણ સરપંચ પદે રહ્યા તેમણે ગામની સુવિધા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હાલ અપરિણીત અને હાઈ એજ્યુકેટેડ આદિવાસી યુવતી કોંઢ ગામના સરપંચ પદે આરૂઢ છે. તેમના આવવાથી ઘણાં કામો કરીને કોંઢ ગામમાં એકતાનો સૂર ઊભો કર્યો છે. કોંઢ ગામમાં ત્રણ કંપની આવેલી છે. ક્યારેક કેટલાંક કામોમાં કંપની સહાયરૂપ બને છે. કોંઢમાં ગુજરાત ગાર્ડિયન કંપની રેતીમાંથી કાંચના ગ્લાસ બનાવે છે. તેમણે કરેલું પ્રોડક્શનની માંગ દેશ-વિદેશમાં છે. ગામમાં કપ-રકાબી બનાવતી સિરામિક કંપની પણ કાલે છે. સાથે અન્ય કેમિકલ પ્રોડક્ટ બનાવતી મહિન્દ્રા કંપની આવેલી છે. જેના કારણે આજુબાજુના લોકોને રોજગારીનું સાધન મળ્યું છે. આ ગામમાં અંકલેશ્વરની એશિયન પેઈન્ટ “આરોગ્ય સેવા” દર ગુરુવારે કોંઢ ગામે આવીને ત્રણ જગ્યાએ દર્દીઓને તપાસે છે. દર વખતે અંદાજે 20થી 25 દર્દીઓ આવતા ફ્રીમાં ચેકઅપ કરીને મફત દવાઓ આપે છે….

કોંઢ ગામનું નામ કઈ રીતે પડ્યું!
કોંઢ ગામનું નામ કઈ રીતે પડ્યું એ લોકવાયકા જાણવા જેવી છે. ગામના નિવૃત્ત આચાર્ય અને લેખક 85 વર્ષના મહંમદભાઈ કાળુભાઈ પટેલ જણાવે છે કે, કોંઢ ગામમાં ભૂતકાળમાં એક સમયે વિશાળ તળાવ હતું. એ તળાવના પાણીથી આસપાસના વિસ્તારમાં “કમોદ” નામનું ડાંગર બનાવતા હતા. જેને કારણે એ વખતે ઉત્પાદન પણ પુષ્કળ પ્રમાણમાં મળતું હતું. આ ડાંગરના નામ પરથી એ વખતે તળાવ “કમોદ” તળાવ તરીકે ઓળખાવવા માંડ્યું. એ સમયે કુદરતી થપાટે આ તળાવની પાળ તૂટી ગઈ અને પાણી ખાલી થઇ ગયું. વખત જતાં એ જગ્યાએ લોકો રહેવા આવવા લાગ્યા. સમયાંતરે વસવાટ કરતાં આખું ગામ બની ગયું હતું. કમોદ નામે શબ્દો અપભ્રંસ થતાં “કાંધ”,”કોધ” અને અંતે “કોંઢ” ગામ તરીકે આજે ઓળખાય છે.
લાંબો સમય સરપંચ તરીકે રહેલા ગુલામ પટેલ
કોંઢ ગામના 76 વર્ષના ગુલામ ઈસ્માઈલ પટેલની ઓળખ મિલનસાર સ્વભાવની છે. ગુલામભાઈ 46 વર્ષ પહેલાં તેમની યુવાનીમાં ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચુંટાયા. તેમની વિન્રમતાને લઈ તેઓ ગામનાં મોભી થયા. વર્ષ-1984થી 1994 સુધી સતત દસ વર્ષ કોંઢ ગામના સરપંચપદે રહ્યા. વર્ષ-1994થી પાંચ વર્ષ માટે ગ્રામ પંચાયતના સભ્ય પદે રહ્યા બાદ તેમના મળતાવડા સ્વભાવને લઈને વર્ષ-1999થી 2009 સુધી ગ્રામના ડેપ્યુટી સરપંચ તરીકે જવાબદારી પણ નિભાવી. અંતે વર્ષ-2009થી પાંચ વર્ષ તરીકે સભ્ય પદ ભોગવ્યું હતું. તેઓએ લગભગ 30 વર્ષના કાર્યકાળમાં ઘણાં કામો કર્યાં હતાં. ગ્રામ પંચાયતના કાર્યકાળમાં પાણીમાં સૌથી જટીલ પ્રશ્ન હતો. એ વખતે કોંગ્રેસી નેતા મર્હુમ અહેમદ પટેલની દરમિયાનગીરીથી તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ એક યોજનામાં પાણી પુરવઠા માટે વટારિયા ગામની સરહદેથી એકાદ કિમી દૂર પાઈપલાઈન વડે કોંઢ ગામમાં શુદ્ધ અને મીઠું પાણી લઇ આવ્યા. તેઓ સરપંચ પદે હોવાથી ગ્રામ પંચાયત રજવાડાની પોલીસ ગેટની જગ્યાએ ગ્રામ પંચાયતનું અદ્યતન મકાન બનાવીને એ વખતે વાલિયાના તત્કાલીન મંત્રી હરિસિંહ મહીડા અને મર્હુમ અહેમદ પટેલે ઓપનિંગ કરાવ્યું હતું. ગામમાં પીવાના પાણીની ટાંકીમાં નાંખીને વર્ષ-2002થી SM બદાત ટ્રસ્ટ દ્વારા આજે પણ કોંઢ ગામને મફત પાણી આપે છે. વર્ષ-1989માં કોંઢ ગામની જમીન ગુજરાત ગાર્ડિયન કંપનીને આપવામાં આવી હતી. તેઓ પોતે કોંઢ કેળવણી મંડળના પ્રમુખ તરીકે કામ કરે છે. ગુલામભાઈ પોતે કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે. તેઓ તાલુકા અને જિલ્લામાં પણ હોદ્દો મેળવી ચૂક્યા છે. સાથે ગામમાં સર્વોદય સહકારી મંડળીના અગાઉ પ્રમુખ હતા. તાલુકા કક્ષાએ વાલિયા જીન અને વાલિયા તાલુકા ખરીદ વેચાણ સંઘના પણ સભ્ય રહ્યા હતા. કોંઢ મદ્રેસા ટ્રસ્ટ અને જુમા મસ્જિદના ટ્રસ્ટી છે. પીઢ આગેવાન ગુલામભાઈ પટેલ કહે છે કે, અમે સૌ પાંચ દાયકાથી સુધી ગામનાં સારા કામ માટે પ્રયાસ કરતા રહ્યા છીએ. છતાં ઉંમર કારણે હવે નવા લોકો સારા કામ કરે એવી ભાવનાથી આજે અમને ગમે છે. કોંઢ ગામમાં કનુભાઈ વસાવા, રવજીભાઈ વસાવા, બુધિયાભાઈ વસાવા અને મર્હુમ ઈબ્રાહીમભાઈએ સૌને સહયોગ આપવાના પ્રયાસ કર્યો છે. જેને લઈને અમારું ગામ આજે એકરાગીતાનું ગામ બની ગયું છે.
કોંઢ ગામનું નામ કઈ રીતે પડ્યું!
કોંઢ ગામનું નામ કઈ રીતે પડ્યું એ લોકવાયકા જાણવા જેવી છે. ગામના નિવૃત્ત આચાર્ય અને લેખક 85 વર્ષના મહંમદભાઈ કાળુભાઈ પટેલ જણાવે છે કે, કોંઢ ગામમાં ભૂતકાળમાં એક સમયે વિશાળ તળાવ હતું. એ તળાવના પાણીથી આસપાસના વિસ્તારમાં “કમોદ” નામનું ડાંગર બનાવતા હતા. જેને કારણે એ વખતે ઉત્પાદન પણ પુષ્કળ પ્રમાણમાં મળતું હતું. આ ડાંગરના નામ પરથી એ વખતે તળાવ “કમોદ” તળાવ તરીકે ઓળખાવવા માંડ્યું. એ સમયે કુદરતી થપાટે આ તળાવની પાળ તૂટી ગઈ અને પાણી ખાલી થઇ ગયું. વખત જતાં એ જગ્યાએ લોકો રહેવા આવવા લાગ્યા. સમયાંતરે વસવાટ કરતાં આખું ગામ બની ગયું હતું. કમોદ નામે શબ્દો અપભ્રંસ થતાં “કાંધ”,”કોધ” અને અંતે “કોંઢ” ગામ તરીકે આજે ઓળખાય છે.
રજવાડા અને બ્રિટીશ રાજ વખતે કોંઢ ત્રણેય બાજુ અન્યની સલ્તનત હતી
રજવાડા અને બ્રિટીશ રાજ વખતે કોંઢ ત્રણેય બાજુ અન્યની સલ્તનત હતી. દક્ષિણમાં સુરત જિલ્લાનું બોઈદ્રા ગામે બ્રિટિશરોનું રાજ હતું. ઉત્તરમાં આવેલું જીતાલી વડોદરાના ગાયકવાડ હસ્તકનું ગામ હતું અને કોંઢ ગામ એ રાજપીપળા રજવાડાનું પણ છેલ્લું ગામ હતું. એ વખતે આ ગામમાં સરહદી પોલીસ ગેટ બનાવ્યો હતો. આ ગેટમાં બે પોલીસકર્મી તેમજ એક જમાદાર પણ રહેતા હતા. એ વખતે રહેણાક સાથે ઘોડો બાંધવાનો તબેલો પણ હતો. સમયાંતરે મકાન જર્જરિત થઇ જતાં તેને તોડી ગ્રામ પંચાયત ઓફિસ બનાવી દીધી હતી.

Most Popular

To Top