કોલકત્તા: ચાલુ વર્ષે ભારતમાં વન ડે વર્લ્ડકપ 2023 રમાનાર છે. હાલ ભારતીય ટીમ તેની તૈયારી કરી રહ્યું છે. ત્યારે ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણાની વન ડે સિરીઝની બીજી વન ડે મેચમાં 3 વિકેટ લઈ શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammad Shami) માટે માઠા સમાચાર આવ્યા છે.
- કોલકત્તાની કોર્ટે મોહમ્મદ શમી વિરુદ્ધ ચૂકાદો આપ્યો: પત્ની હસીન જહાને મહિને 1.30લાખ ભરણપોષણ આપવા કર્યો આદેશ
પશ્ચિમ બંગાળના કોલકાતામાં રહેતી હસીન જહાંએ (Hasin Jha) તેના પતિ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી સામે ચાલી રહેલી કાનૂની લડાઈ જીતી લીધી છે. કોલકાતાની અલીપોર કોર્ટે હસીન જહાંની તરફેણમાં સુનાવણી કરતા મોહમ્મદ શમીને સૂચના આપી છે. કોર્ટે ભારતીય ક્રિકેટર (મોહમ્મદ શમી)ને સૂચના આપતા કહ્યું કે તે તેની પત્ની અને પુત્રીના ભરણપોષણ માટે દર મહિને 1 લાખ 30 હજાર રૂપિયા આપવાના રહેશે. કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે આ રકમમાંથી 50 હજાર રૂપિયા તેની પત્ની હસીન જહાંને અને બાકીના 80 હજાર રૂપિયા તેની પુત્રીને આપવામાં આવશે.
જો સૂત્રોનું માનીએ તો હસીન જહાં કોર્ટના આ નિર્ણયથી ખુશ નથી. હસીન જહાં હવે શમી વિરુદ્ધ કોલકાતા હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે, કારણ કે શમી દર વર્ષે કરોડો રૂપિયા કમાય છે, આવી સ્થિતિમાં તેના અને તેની પુત્રીના ભરણપોષણ માટેનો ખર્ચ ઘણો ઓછો છે.
2018માં બંને વચ્ચે સંબંધો વણસ્યા હતા
વર્ષ 2018માં હસીન અને શમીના સંબંધોમાં તિરાડ પડી હતી, ત્યારબાદ બંને અલગ થઈ ગયા હતા. હસીન તેની પુત્રી સાથે કોલકાતામાં એક ફ્લેટમાં રહેવા લાગી હતી. હસીને તે દરમિયાન શમી વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ પણ નોંધાવ્યો હતો. તેણે પોતાના ભરણપોષણ માટે કોર્ટમાં અરજી પણ કરી હતી અને શમી પાસેથી તેના ભરણપોષણ માટે 7 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી.
5 વર્ષથી કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી
હસીન જહાંની આ અરજી પર છેલ્લા 5 વર્ષથી સુનાવણી ચાલી રહી હતી. હસીન જહાં દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી વચ્ચે મોહમ્મદ શમીએ હસીન જહાં વિરૂદ્ધ કેસ પણ દાખલ કર્યો હતો અને કોર્ટને કહ્યું હતું કે હસીન જહાં એક મોડલ છે અને તે એક્ટિંગ પણ કરે છે જેનાથી તે દર મહિને 10 લાખ રૂપિયા કમાય છે. શમીએ પોતાનો કેસ મજબૂત કરવા માટે અખબારોની નકલો કોર્ટને આપી હતી. પરંતુ, તેઓ કોર્ટમાં હસીન જહાંની આવક સંબંધિત કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા.