Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતનો કોળી સમાજમાં ભાજપથી નારાજ, પક્ષના જ ધારાસભ્યએ પક્ષ વિરુદ્ધ રણશિંગૂ ફૂંક્યું

નવસારી : જલાલપોર તાલુકા કોળી સમાજનું આજે મહાસંમેલનમાં ભાજપના ધારાસભ્ય આર.સી.પટેલે જાણે રણશીંગું ફૂંકીને ભાજપને સંદેશો આપ્યો હતો કે દક્ષિણ ગુજરાતમાં કોળી મતદારોની સંખ્યા વધુ હોવા છતાં દક્ષિણ ગુજરાતમાં અનાવિલોને ધારાસભાની 4 બેઠકો આપવામાં આવી છે. એટલે જ કોળીઓએ રાજકારણમાં એક થઈને અવાજ ઉઠાવવાનો સમય પાકી ગયો છે.

  • એરૂ કોલેજ ખાતે કોળી સમાજનું મહાસંમેલન યોજાયું
  • લૂન્સીકૂઈથી એરૂ સુધીની મહારેલીમાં 5 હજાર લોકો જોડાયાનો અંદાજ
  • RC VS CRનું ચિત્ર સર્જાયું
  • કોળીઓ વધુ છતાં અનાવિલોના 4 ધારાસભ્ય કેમ?

સામાજિક અને રાજકીય અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આજે જલાલપોર તાલુકા કોળી સમાજનું મહાસંમેલન અને બાઈક રેલી યોજાઈ હતી. સવારે 9 કલાકે નવસારીના લૂન્સીકૂઈ મેદાનથી નીકળેલી 5000 લોકોની બાઈકરેલી એરૂ ખાતેની કોલેજમાં મહાસંમેલનમાં પરીણમી હતી.

કોળી મહાસંમેલનને સંબોધતા ધારાસભ્ય આર.સી.પટેલે જણાવ્યું હતું કે કોળી લોકોની વસ્તી તથા કોળી મતદારો વધુ હોવા છતાં તેમને રાજકીય પ્રતિનિધિત્વ ઓછું મળી રહ્યું છે. હાલમાં પારડીથી ચોર્યાસી સુધીના વિસ્તારમાં કોળી વધુ હોવા છતાં અનાવિલની સીટો વધીને 4 થઈ ગઈ છે.

તેમણે ઉમેર્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં જાતિવાદ નથી, પરંતુ અનાવિલો ઓછા હોવા છતાં ગાંધીનગરમાં જીત મેળવવાનો દાવો કરે છે, આ સ્થિતિને તેમણે કોળી સમાજ માટે ચિંતાજનક ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે રાજકીય પક્ષોમાં જોડાવાનો હેતુ વ્યક્તિગત લાભ નહીં પણ સમાજનું હિત જોવાનો પણ છે. સમાજના યુવાનોને રાજકીય રીતે સક્રિય થવા અને સમાજના અધિકારો માટે આગળ આવવા માટે આહવાન કર્યું હતું.

જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલે આ સંમેલનમાં ભાજપના ધારાસભ્ય આર.સી.પટેલને ગાંધીનગરમાં ઊંચો હોદ્દો મળવો જોઈએ એવી અપીલ સમાજ સમક્ષ કરી હતી. જો કે તેમની આ અપીલ નવસારી જિલ્લામાં રાજકીય સમીકરણમાં જોવા મળશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.

કોળી મતદાર વધુ છતાં ભાજપે અનાવિલોને વધુ ટિકિટ ફાળવી!
રાજકારણમાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો કોળી મતદારોની સંખ્યા વધુ હોવા છતાં તેમને રાજકીય પક્ષો ધારાસભા માટે ટિકિટ ફાળવતા નથી. ઓલપાડથી પારડી સુધી કોળી મતદારો વધુ છે. એમ છતાં કોળી ઉમેદવારો ટિકિટ ફાળવવામાં રાજકીય પક્ષો ઉદાસીન રહે છે.

ઈટાળવા અને તીઘરામાં કોળી ખેડૂતો કેમ યાદ ન આવ્યા?
નવસારી મહાનગર પાલિકા બની એ બાદ તીઘરા અને ઈટાળવા ટીપી સ્કીમ અમલમાં મુકાઈ રહી છે, ત્યારે ત્યાંના ખેડૂતોને જમીન ગુમાવવા સાથે વળતર ઓછું અને વિકાસવેરો વધુ ભરવાનો વારો આવે એવી સ્થિતિ છે, ત્યારે ખેડૂતો વિરોધ કરતા હતા. એ ખેડૂતોમાં બહુધા કોળી પટેલ છે, ત્યારે આર.સી.પટેલે કેમ મૌન રહ્યા ? એ સાથે સમાજની પડખે કેટલું ઊભા રહ્યા એવા સવાલ પણ આર.સી. માટે પૂછાઈ રહ્યા છે.

Most Popular

To Top