વડોદરા : દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે કલાનગરી વડોદરામાં માટીકામના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોએ હિન્દુ સંસ્કૃતિને જીવંત બનાવી રાખી છે. શહેરનો પરિવાર વર્ષોથી માટીમાંથી કોડિયા બનાવી તેને નવો ઓપ આપી રહ્યા છે. જોકે બીજી તરફ ચોમાસા દરમિયાન તેમના ત્યાં સંગ્રહિત કરેલ માટીનું ધોવાણ થતાં આર્થિક ફટકો પડ્યો હોવાથી લોકોને પણ ચાઈનીઝ દીવડાથી દૂર રહી માટીના કોડિયા ખરીદવા અપીલ પણ કરી હતી.
વડોદરા શહેરમાં માટીકામ કરતાં ફતેપુરા વિસ્તારમાં રહેતા પરિવારોએ દિવાળીમાં ઘરને સુશોભિત કરતાં કોડિયા બનાવવાની પરંપરા આજે પણ જાળવી રાખી છે.
માટીકામના કલાકાર નરેશભાઈ પ્રજાપતિ દ્વારા આ વ્યવસાયમાં પડતા પડકારો સંદર્ભે જણાવી ચોમાસા દરમિયાન તેમના ત્યાં સંગ્રહિત કરેલ માટીનું ધોવાણ થતાં તેમને આર્થિક ફટકો પડ્યો છે.સાથે સાથે નગરજનોને તેઓએ અપીલ કરી હતી કે દિવાળી સમયે દીવડા કુંભારના ઘરેથી જ ખરીદે. જેથી તેમની પણ દિવાળી ઉત્સાહ અને ઉમંગથી ઉજવાય. પોતાના વ્યવસાય સાથે હિન્દુ સંસ્કૃતિના દીવડાની પરંપરા જાળવી રાખનાર આવા કલાકારો પાસે લોકો દીવડા લે અને તેમને સપોર્ટ કરે. છેલ્લાં બે વર્ષમાં કોરોનાના કારણે પણ માટી કારીગરોને આર્થિક નુકસાન થયું છે. જોકે આ વર્ષે નિયમો હળવા થતાં હવે દિવાળી સારી જશે તેવી આશા તેમણે વ્યકત કરી હતી.વધુમાં જણાવ્યું હતું કે તેમના બાપ-દાદાનો વ્યવસાય હોવાથી તે છોડવા માંગતા નથી અનેક પડકારો છતાં આ કારીગરો અડીખમ હોવાથી હજુ પણ શહેરમાં માટીના કોડીયા દિવાળીમાં પ્રગટેલા જોવા મળે છે. સાદા કોડિયા 700 થી 800 ના 1 હજાર નંગ વેચી રહ્યા છે. દિવાળીમાં લોકો દીવડામાં તેલ મૂકીને ઘરના આંગણે પ્રગટાવવામાં આવે છે.
વરસાદના કારણે માટીનું ધોવાણ થઈ ગયું
વ્યવસાય સારો છે પરંતુ વરસાદને કારણે ધંધો બરાબર થયો નથી. કોરોના પછી સારામાં સારી દિવાળી છે. પણ વરસાદે કામ કરવા દીધું નથી. માટી અમારી થાનથી અને મોરબી આવે છે. અમે માત્ર માટીમાંથી જ વસ્તુઓ બનાવીએ છીએ ચાઇના મેડ નથી બનાવતા. મોરબીથી જે માટી આવે છે. તેમાંથી લાલ કોડિયું થાય અને થાનમાંથી જે માટી આવે છે તેમાંથી સફેદ કોડિયું થાય. બીજો કોઈ ફરક નથી અને અહીંની દેશી માટે આવે તો સાદું કોડિયું થાય છે. અમારી પાસે 200 થી 250 જેટલી આઈટમ હોય અને દરેક ઠેકાણે પહોંચાડવી પડતી હોય છે પરંતુ માલ થાય નહીં અને વરસાદના કારણે બહાર નીકળે નહીં માટીનું ધોવાણ થઈ ગયું હોવાથી માટી થાય નહીં માટે અમારાથી કામ પણ નહીં થાય.બસ અમારી દિવાળી સારી જાય એ જ મારી આશા છે. : ગૌરીબેન, માટીકામ કારીગર