Madhya Gujarat

નડિયાદની નોલેજ હાઈસ્કુલમાં પ્રવેશ રદ્દ કરવા વાલી પહોંચ્યાં

નડિયાદ: નડિયાદની નોલેજ હાઈસ્કુલમાં અભ્યાસ કરતાં મુસ્લિમ કોમના વિદ્યાર્થીઓને નમાઝ પઢવા માટે અલગથી રૂમ ફાળવવામાં આવતી હોવાની ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ મંગળવારે સોશિયલ મિડીયામાં ફરતી થઈ હતી. આ વિડિયો ક્લિપ જોતજોતામાં વાઈરલ થઈ જતાં આ મામલે ભારે વિવાદ સર્જાયો હતો. દરમિયાન આ મામલે ખુલાસો આપવાને બદલે સ્કુલના સંચાલકો ભુગર્ભમાં ઉતરી જતાં વિવાદ વધુ વકર્યો હતો. હિન્દુ સંગઠનોના આગેવાનો તેમજ કેટલાક વાલીઓ સ્કુલ પહોંચી ગયાં હતાં. જોકે, જે તે વખતે સ્કુલમાં કોઈ જવાબદાર વ્યક્તિ જ હાજર ન હોવાથી વાલીઓ રોષે ભરાયાં હતાં. રોષે ભરાયેલાં એક વાલીએ પોતાના પુત્રનું એડમીશન રદ્દ કરાવવા માટે સ્કુલમાં ફોન કર્યો હતો.

જેની ઓડિયો ક્લિપ પણ સોશિયલ મિડીયામાં વાઈરલ થઈ હતી. મામલો બહાર આવ્યાંના બીજા દિવસે અનેક વાલીઓએ પોતાના સંતાનોના એડમીશન રદ્દ કરાવવા માટે સ્કુલમાં દોટ મુકી હતી. જે પૈકી કેટલાક વાલીઓએ પોતાના સંતાનોના એડમીશન રદ્દ પણ કરાવી દીધાં હોવાનું જાણવા મળ્યું છે. આમ છતાં હજુ સંચાલકો મગનું નામ મરી પાડી રહ્યાં નથી. જેથી વાલીઓ વધુ રોષે ભરાયાં છે.
લોબી નં.4 માં નમાઝ પઢવાની વ્યવસ્થા કરવામાં આવી હતી
સમગ્ર વિવાદ મુદ્દે નોલેજ હાઈસ્કુલમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, સ્કુલમાં અભ્યાસ કરતાં મુસ્લિમ વિદ્યાર્થીઓ દર શુક્રવારે બપોરે ૧ થી ૧:૩૦ વાગ્યાના અરસામાં શિક્ષકની પરમીશન લઈને લોબી નં ૪ માં જતાં હતાં. જ્યાં તેઓને નમાઝ પઢવા માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સ્કુલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
નડિયાદની નોલેજ હાઈસ્કુલમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને નમાઝ પઢવા માટે અલગથી રૂમની ફાળવણીને પગલે સર્જાયેલાં વિવાદ અંતર્ગત હિન્દુ સંગઠનો તેમજ કેટલાક વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન ધમાલ કે અટકચાળું થવાની ભીતીને પગલે સ્કુલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી કોઇ અઘટિત બનાવ ન બને.
મારા પુત્રને અન્ય કોઈ સારી સ્કુલમાં ભણાવીશ : પરેશ ભરવાડ, વાલી
ડાકોરમાં રહેતાં પરેશભાઈ ભરવાડ તેમના પુત્રનું એડમીશન રદ્દ કરાવવા માટે બુધવારના રોજ નોલેજ હાઈસ્કુલમાં પહોંચ્યાં હતાં. તે વખતે તેઓએ જણાવ્યું હતું કે, મુસ્લિમ વિદ્યાર્થીઓને શુક્રવારે નમાઝ પઢવા માટે અલગ રૂમ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને ધર્મના નામે ભેદભાવ શીખવાડતી શાળામાં હું મારા પુત્રને શા માટે ભણાવું..? હું મારા પુત્રને અન્ય કોઈ સારી સ્કુલમાં ભણાવીશ.

Most Popular

To Top