Sports

શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં કેકેઆરની નજર જીતની હેટ્રિક કરવા પર

કોલકાતા : આવતીકાલે શુક્રવારે પોતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર સાંજે 7.30 વાગ્યે જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) મેદાને પડશે ત્યારે તેમની નજર જીતની હેટ્રિક કરવા પર મંડાયેલી હશે. આ સિઝનની પોતાનીની પ્રથમ મેચમાં મોહાલીમાં પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કર્યા પછી, કેકેઆરને આગામી બે મેચમાં બે નવા હીરો મળ્યા જે તેમને જીત તરફ લઈ ગયા. પહેલા હોમ ગ્રાઉન્ડ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે, શાર્દુલ ઠાકુરે 29 બોલમાં 68 રનની તોફાની ઇનિંગ રમીને કેકેઆરને 81 રનની જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે પછી અમદાવાદમાં રિંકુ સિંહે ગુજરાત ટાઇટન્સ સામે અંતિમ પાંચ બોલમાં પાંચ છગ્ગા ફટકારીને પોતાની ટીમને અણધારી જીત અપાવી હતી.

  • બે મેચમાં અણધાર્યા ખેલાડીઓએ અણધારી જીત અપાવ્યા પછી હવે પોતાના મુખ્ય ખેલાડીઓ મેચ જીતાડે એવી કેકેઆરને ખેવના
  • ત્રણ મેચમાં ત્રણ અલગઅલગ ઓપનીંગ પેર અજમાવનાર કેકેઆર આજેની મેચમાં ગુરબાઝને સ્થાને જેસન રોયને તક આપી શકે

નિયમિત સુકાની શ્રેયસ ઐયર અને સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની ગેરહાજરી છતાં કેકેઆર અચાનક એક મજબૂત ટીમ તરીકે ઉભરી આવી છે. તેમના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ અને સુકાની નીતિશ રાણાએ બંને જીતમાં વધુ યોગદાન આપ્યું નથી અને હવે ટીમ મેનેજમેન્ટ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે તેમને હવે તેમના મુખ્ય ખેલાડીઓ જીતાડે. રસેલે પંજાબ સામેની પ્રથમ મેચમાં 19 બોલમાં 35 રન બનાવ્યા હતા, પરંતુ તે પછીની બે મેચમાં માત્ર શૂન્ય અને એક જ રન બનાવી શક્યો હતો. કેકેઆરે અત્યાર સુધીની ત્રણેય મેચોમાં અલગ-અલગ ઓપનિંગ જોડી અજમાવી છે અને ફરીથી ફેરફારની શક્યતા છે. ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોય પ્લેઈંગ ઈલેવનમાં અફઘાનિસ્તાનના રહેમાનુલ્લાહ ગુરબાઝને સ્થાને તક મળી શકે છે.

Most Popular

To Top