ચેન્નઈ : આઇપીએલમાં (IPL) રવિવારે ડબલ હેડરની બીજી મેચમાં સાંજે 7.30 વાગ્યે અહીં પોતાના હોમ ગ્રાઉન્ડ પર ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) (CSK) કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) (KKR) સામે મેદાને પડશે ત્યારે તેઓ પ્લેઓફની પોતાની આશાઓને મજબૂત બનાવવા પર નજર રાખશે. સુપર કિંગ્સ પાસે હાલમાં 12 મેચમાં 15 પોઈન્ટ છે અને તે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે સારી સ્થિતિમાં છે. બીજી તરફ કેકેઆર પાસે માત્ર 10 પોઈન્ટ છે અને તેણે તેની બાકીની બંને મેચો જીતવાની હોવાથી આવતીકાલની મેચ તેના માટે કરો યા મરો સમાન જ રહેશે. બંને મેચ જીતવાની સાથે જ તેણે અન્ય ટીમોના પરિણામ પોતાને સાનુકૂળ રહે તેની પ્રાર્થના કરવી પડશે.
સીએસકેની બેટિંગ ઘણી મજબૂત છે. અને તેની સાથે જ ધોનીની ચતુરાઈથી બચવું કોઈના માટે આસાન નથી. હવામાન અને પીચ બંને બેટિંગ ફ્રેન્ડલી છે. જો રાત્રે ઝાકળ હોય તો બેટ્સમેનો માટે સરળતા રહેશે ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવે અને રુતુરાજ ગાયકવાડ સીએસકેને સારી શરૂઆત આપી રહ્યા છે જ્યારે અજિંક્ય રહાણે અને શિવમ દુબે તેમની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યા છે. મોઈન અલી, રવિન્દ્ર જાડેજા અને અંબાતી રાયડુ જેવા બેટ્સમેનો અત્યાર સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી.