ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની 21મી મેચમાં આજે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ કેએલ રાહુલની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સને માફક આવી નહોતી અને કોલકાતા નાઇટ રાઇડર્સના બોલરોના અંકુશિત પ્રદર્શનને કારણે પંજાબ કિંગ્સે મુકેલા 124 રનના લક્ષ્યાંકને કેકેઆરે ઇયોન મોર્ગનની નોટઆઉટ કેપ્ટન ઇનિંગની મદદથી 16.4 ઓવરમાં 5 વિકેટના ભોગે આંબી લઇને મેચ 5 વિકેટે જીતી લીધી હતી.
લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને 17 રન સુધીમાં તેમણે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી રાહુલ ત્રિપાઠી અને ઇયોન મોર્ગને 66 રનની ભાગીદારી કરી હતી. ત્રિપાઠી 32 બોલમાં 41 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 83 રન હતો. મોર્ગને એક છેડો સાચવી રાખીને ટીમને જીત સુધી લઇ ગયો હતો. કેકેઆરે 16.4 ઓવરમાં 5 વિકેટે 126 રન કરીને મેચ જીતી લીધી હતી. ઇયોન મોર્ગન 40 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 47 અને દિનેશ કાર્તિક 6 બોલમાં 12 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમની શરૂઆત ધીમી રહી હતી અને શરૂઆતની પાંચ ઓવર સુધીમાં તેઓ માંડ 29 રન સુધી પહોંચી શક્યા હતા. છઠ્ઠી ઓવરમાં કેએલ રાહુલ રન રેટ વધારવાના પ્રયાસમાં અંગત 19 રને આઉટ થયો હતો અને તે પછીની ઓવરમાં ક્રિસ ગેલ ગોલ્ડન ડકનો શિકાર બનીને પેવેલિયન ભેગો થયો હતો. મયંક અગ્રવાલ બાજી સંભાળવાનો પ્રયાસ કરતો રહ્યો પણ અંતે તે અંગત 31 રન કરીને આઉટ થયો ત્યારે 11.2 ઓવરમાં ટીમનો સ્કોર 60 રન થયો હતો.
શરૂઆતની તમામ મેચોમાં શૂન્ય રને આઉટ થયેલા પૂરન પાસે મોટી ઇનિંગની આશા હતી તે પણ 19 રન કરીને આઉટ થયો હતો. શાહરૂખ ખાન પણ 13 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં ક્રિસ જોર્ડને કરેલી ફટકાબાજીને કારણે પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 123 રનના સ્કોર સુધી પહોંચી હતી. ક્રિસ જોર્ડન 18 બોલમાં 3 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 30 રન બનાવીને આઉટ થયો હતો. કેકેઆર વતી પ્રિસદ્ધ કૃષ્ણએ 3, પેટ કમિન્સ અને સુનિલ નરેને 2-2 તેમજ શિવમ માવી અને વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ ખેરવી હતી.