ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં ત્રણ મેચ હાર્યા પછી જીત મેળવનારી પંજાબ કિંગ્સની ટીમ આવતીકાલે સોમવારે જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેનો ઇરાદો પોતાની જીતની રિધમ જાળવી રાખવાનો રહેશે. પંજાબે ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી હતી અને તે પછી તે સતત ત્રણ મેચ હાર્યું હતું. સામે પક્ષે કેકેઆર પણ પોતાની પહેલી મેચ જીત્યા પછી સતત ચાર મેચ હારી ચુક્યું છે.
પંજાબની બેટિંગ લાઇનઅપ મજબૂત છે અને કેપ્ટન લોકેશ રાહુલ ટી વતી સતત સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓમાં સામેલ છે. મુંબઇ સામે પણ તેણે નોટઆઉટ 60 રનની ઇનિંગ રમી હતી, જે તેની પાંચ મેચમાં ત્રીજી અર્ધસદી રહી હતી. ઓપનર મયંક અગ્રવાલ પણ ફોર્મમાં છે અને ક્રિસ ગેલે મુંબઇ સામે નોટઆઉટ 43 રનની ઇનિંગ રમીને ફોર્મમાં પાછા ફરવાનો સંકેત આપ્યો હતો.
સામા પક્ષે કેકેઆરની ટીમ પોતાના પ્રદર્શનમાં સુધારો કરવામાં નિષ્ફળ રહી છે. કેકેઆરે જો પોતાના સતત હારતા રહેવાનો ક્રમ તોડવો હોય તો તેના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કરવું પડશે. ટીમના ટોપ ઓર્ડરના બેટ્સમેનો આશા અનુસારનું પ્રદર્શન કરી શક્યા નથી.ગિલ અને મોર્ગન ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યા છે.