જેની આતુરતાથી રાહ જોવાતી હતી તેની છેવટે જાહેરાત કરી દેવામાં આવી છે. બુધવારે સવારે અમદાવાદ શહેરના નવા મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકાની બોર્ડની આજે બેઠક યોજાઈ હતી. પાલડીમાં આવેલા ટાગોર હોલમાં બોર્ડ બેઠકનું આયોજન કરાયુ હતું. અમદાવાદના નવા મેયર તરીકે ચોંકાવનારૂં નામ સામે આવ્યું છે. પાર્ટીએ મેયર તરીકે કિરિટ પરમારના નામની જાહેરાત કરી છે. ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પરમારની નિયુક્તિ કરવામાં આવી છે.
કિરીટ પરમાર ઠકકર બાપાનગર વોર્ડમાંથી સતત ત્રીજી વખત ચૂંટાઇ આવ્યા છે. મેયર પદ માટેના પ્રબળ દાવેદારોમાં ઠકકરબાપાનગર વોર્ડના કિરીટ પરમાર અને વાસણા વોર્ડના હીંમાશુ વાળાના નામ પહેલેથી જ ચર્ચામાં હતાં.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં સતત ચોથી વખત 160 બેઠકો જેટલી બહુમતી સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા કબજે કર્યા બાદ નવી ટર્મના પહેલા મ્યુનિ.બોર્ડમાં શહેરના મેયર,ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના અંતિમ બાર સભ્યોના નામ અને એએમટીએસના આઠ સભ્યોના નામો પણ જાહેર કરવામાં આવ્યા.
– મેયર તરીકે કીરીટ પરમાર અને ડેપ્યુટી મેયર તરીકે ગીતાબહેન પટેલ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેષ બારોટના નામની જાહેરાત કરવામાં આવી છે. દંડક તરીકે અરુણસિંહ રાજપૂત જ્યારે શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટના નામની જાહેરાત કરવામાં આવી છે.