હથોડા: (Hathoda) કીમ નજીકના નવાપરા ખાતે રહેતા બે યુવાન મિત્રો (Friends) ગત રાત્રે મોટરસાઇકલ (Motorcycle) લઈને માંગરોળ ખાતે ગયા હતા અને પરત થતી વખતે આસરમા નજીક પુલ પરથી મોટરસાઇકલ નદી કિનારે આવેલા ઝાડ પરથી જમીન પર પડતાં બંને યુવાન મિત્રોનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં.
- કીમના નવાપરાના બે યુવાન બાઇક સાથે નદીમાં પડ્યાં, બંનેનાં મોત
- માંગરોળથી પરત ફરતી વેળા બાઇક સાથે ઊછળીને ઝાડ પર પડ્યા બાદ નીચે પડ્યા
- પરિવારે આખી રાત શોધખોળ કરી, બીજા દિવસે બંને મૃત હાલતમાં મળ્યા
કીમ નજીકના નવાપરા ખાતે રહેતા રોહિત વસાવા (ઉં.વ.26) અને યોગેશ રાઠોડ (ઉં.વ.27) બંને મિત્ર જીજે 19 એએલ 0541 નંબરની મોટરસાઇકલ ઉપર ગત રાત્રે માંગરોળ કામ અર્થે ગયા હતા અને પરત થતી વખતે રાત્રિના અંધારામાં નજીકના આસરમા ગામે આવેલા પુલ પરથી ગાડી નીચે ગબડી હતી. ગાડી ઝાડ પર થઈને ગબડતાં બંને યુવાન મિત્રો નદી કિનારે જમીન પર પટકાયા હતા અને તેમનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. જ્યારે બીજી તરફ ઉપરોક્ત બંને યુવાન મિત્ર મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો. આખરે વધુ તપાસ કરતાં આ ઘટના અંગે સોમવારે બપોરે જાણ થતાં કીમ નવાપરા ખાતેનાં સ્વજનો ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને હૈયાફાટ રૂદન કર્યું હતું. આ બનાવની જાણ થતાં માંગરોળ પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.
બર્થ-ડેમાં જવાનું કહીને નીકળ્યા હતા
વાંકલ: મોટા બોરસરા ગામનો રોહિત વસાવા અને યોગેશ રાઠોડ બંને મિત્રો નવાપરાથી બાઈક ઉપર માંગરોળના ધોળીકુઈ ગામે મિત્રની બર્થ ડે પાર્ટીમાં બપોરે આવ્યા હતા અને ત્યારબાદ રાત્રે 8 વાગ્યે ધોળી કુઈ ગામથી બંને મિત્ર બાઈક ઉપર બોરસરા નવાપરા ખાતે જવા નીકળ્યા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. બાઈક ડિવાઇડર સાથે અથડાતાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બંને યુવક બાઇક સાથે કીમ નદીમાં પડ્યા હતા. અને મોતને ભેટ્યા હતા. આ બનાવમાં બાઈકનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. આ બાબતે નજીકના ધોળીકુઈ ગામે તપાસ કરતાં ગામમાં બર્થ ડેનો કોઈ પ્રોગ્રામ ન હતો એવું જાણવા મળ્યું હતું. આ ઘટના સંદર્ભમાં મરણ જનાર યુવકના પિતા ઈશ્વર બાલુ રાઠોડે માંગરોળ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.