કીમ: (Kim) કીમ ગામે રાત્રિ દરમિયાન એકાએક રહેણાક વિસ્તારમાં આવેલા લાકડાંના ગોડાઉનમાં (Lumber godown) આગ (Fire) લાગતાં રાત્રિ દરમિયાન વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં સુમિલોન કંપનીના ફાયર ફાયટરો ધસી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. લાકડાનું ગોડાઉન ખુલ્લા પ્લોટ અને રહેણાંક વિસ્તારમાં આવ્યું હતું. જે આગ વિકરાળ હોવાને કારણે ગોડાઉનની આસપાસ આવેલાં ૧૦ જેટલાં ઘરોને નુકસાન થયું હતુ.
- રાત્રિ દરમિયાન ઘટના બનતાં રહેણાક વિસ્તારમાં નાસભાગ મચી
- સુમિલોન કંપનીના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે ધસી આગ કાબૂમાં લીધી
કીમ ગામે રાત્રિ દરમિયાન હરિહરનગર-૧માં આવેલા લાકડાના ગોડાઉનમાં એકાએક લાગી હતી. વિનુભાઈ વિરજી નામના કોન્ટ્રાક્ટર મકાન બાંધકામ સાથે સંકળાયેલા છે. જેમનો કન્સ્ટ્રક્શનનો સરસામાન લાકડાંના ટેકા મોટી સંખ્યામાં મૂકવામાં આવ્યો હતો. કોઈ કારણોસર આ ગોડાઉનમાં મૂકવામાં આવેલા લાકડામાં આગ લાગી હતી. જે આગે વિકરાણ સ્વરૂપ ધારણ કરતાં આગના ગોટેગોટા ઊઠ્યા હતા. આ ગોડાઉન રહેણાક વિસ્તારમાં અને વિશાળ જગ્યામાં આવેલું હોવાથી આગનું પ્રમાણ પણ ખૂબ વધુ હોવાને કારણે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધી આસપાસનાં ઘરોને પણ આગના કારણે નુકસાન પહોંચ્યું હતું. પ્રથમ તો સ્થાનિકો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ આગ વિકરાળ હોવાને કારણે નજીકમાં આવેલી સુમિલોન કંપનીના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. જેમણે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. આગનું પ્રમાણ વધુ હોવાને કારણે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
લાકડાનું ગોડાઉન ખુલ્લા પ્લોટ અને રહેણાંક વિસ્તારમાં આવ્યું હતું. જે આગ વિકરાળ હોવાને કારણે ગોડાઉનની આસપાસ આવેલાં ૧૦ જેટલાં ઘરોની બારી, દરવાજા, પાણીની ટાંકી, સ્ટીલનાં પતરાં, દીવાલ સહિત સર સામાનને આગના કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ રહેણાક વિસ્તારમાં કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેનું જવાબદાર કોણ ?