Dakshin Gujarat

ભરૂચથી સુરત આવતા ભારે વાહનો માટે કિમથી એનાનો એક્સપ્રેસ વે શરૂ

સુરત: ભરૂચથી સુરત વચ્ચેના નેશનલ હાઇવે નં. 48 પરના તાપી નદીના બ્રિજના એક્ષ્પાન્શન જોઈન્ટના સમારકામ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાથી તમામ ભારે વાહનોએ હવે કિમથી એનાનો એક્સપ્રેસ વેનો ઉપયોગ કરવાનો રહેશે. ભારે વાહનો માટે આ એક્સપ્રેસ વે શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે સુરતથી ભરૂચ નેશનલ હાઈવે નં.48 પરથી જઈ શકાશે. ભારે વાહનોના પર પ્રતિબંધ માટે સુરતના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વિજય રબારીએ જાહેરનામું પણ બહાર પાડી દીધું હતું.

  • તાપી બ્રિજના સમારકામને પગલે ભારે વાહનોને એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરાયા
  • સુરતથી ભરૂચ તરફ જતા માર્ગ પરના વાહનો માટે કોઈ બદલાવ નહીં
  • ભારે વાહનો કિમથી પલસાણા સુધી NH 48 પર આવી શકશે નહીં, અધિક જિ. મેજિ.નું જાહેરનામું

આ જાહેરનામા અનુસાર 10 જુલાઈ 2025થી 10 ઓગસ્ટ 2025 સુધીના સમયગાળા માટે તાપી બ્રિજની ડાબી સાઇડ (ભરૂચથી સુરત તરફ આવતા માર્ગ) ઉપરથી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારે વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ તરીકે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે (પેકેજ-6) તરફ માર્ગ સૂચવવામાં આવ્યો છે.

નોંધનીય છે કે એક્સપ્રેસ-વે પર ટુ-વ્હિલર વાહનોને મંજૂરી નથી, જેથી તેવા વાહનચાલકો માટે પહેલેથી ચાલુ રૂટનો જ ઉપયોગ ચાલુ રહેશે. તાપી બ્રિજની જમણી સાઇડ (સુરતથી ભરૂચ તરફ જતા માર્ગ) ઉપરથી હાલના સમયગાળામાં વાહનો માટે કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી, એટલે આ દિશામાં વાહન વ્યવહાર પહેલાંની જેમ જ ચાલુ રહેશે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પડાયેલા આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ શિક્ષાને પાત્ર ગણાશે. પરિણામે સુરત અને આસપાસના વિસ્તારોમાં ચાલતા વેપાર, ઔદ્યોગિક પરિવહન તથા લોજિસ્ટિક્સ ક્ષેત્રને અસ્થાયી અસર થવાની સંભાવના છે, પરંતુ સરકારી તંત્ર દ્વારા વાહન વ્યવહારના સુદૃઢ નિયંત્રણ માટે જરૂરી પગલાં ઝડપથી અમલમાં મૂકાયા છે, જેથી લોકોને હવે ઘણી રાહત થશે.

કિમથી એનાનો એક્સપ્રેસ વે પર ભારે વાહનો દોડતા થઈ ગયા
કામરેજ તાપી નદી પરના બ્રિજનું કામ આજથી શરૂ કરાતા ભરૂચથી સુરત આવતા વાહનો માટે આજથી એક્સપ્રેસ વે શરૂ કરી દેવાયો છે. સુરત આવતા લોકો ભરૂચથી નવા એક્સપ્રેસ વેથી બારડોલી એના પાસે એક્ઝીટ લેશે અને ત્યાંથી પલસાણા થઈને સુરત આવી શકે છે.

દ્વિચક્રીય વાહનો માટે જૂનો રસ્તો ચાલુ રહેશે
ટુ વ્હીલર માટે એક્સપ્રેસ વે ઉપર પ્રતિબંધ છે, જેથી ભરૂચથી સુરત આવવા માટે ટુ વ્હિલર ચાલકો જુના બ્રિજ પરથી જ તથા સાઈડમાં રહેલા એક બ્રિજ પરથી આવી શકે છે.

Most Popular

To Top