સુરત (Surat): સુરતમાં આજે વ્હેલી સવારે જે ઘટના બની છે તે અત્યંત ગંભીર અને હ્રદયદ્રાવક હતી. આપણે એક વાર ફરી સાબિત કરી દીધુ છે કે આપણા માટે ઘર બનાવી આપનારાઓ માટે આપણે ન તો ઘર બનાવી શકીએ છીએ ન તો એમના જીવની આપણને ચિંતા છે. આ ઘટના ફરી એકવાર કોરોનાનો એ કાળો સમય યાદ અપાવે છે જ્યારે સ્થળાંતર કામદારો ભર ઉનાળામાં પગપાળા વતન જતા હતા, આ લોકોના જીવ અને જીવન બંને ભગવાન ભરોસે હોય છે.
મોડી રાત્રે સુરતમાં બનેલી ઘટના કમકમાટી લાવે તેવી છે, કીમ-માંડવી સ્ટેટ હાઈવે પર આખો દિવસ કામ કરીને થાકેલા મજૂરો પર કાળમુખી ડમ્પર ફરી વળ્યુ હતુ. આ આખી ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા છે. બેકાબૂ બનેલા ડમ્પરે ચારથી પાંચ દુકાનના શેડ પણ તોડી નાખ્યા હતા. ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ફૂટપાથ પર સૂતેલા શ્રમિકોને કચડ્યા બાદ ડમ્પરચાલકે ફૂટપાથ કુદાવી પાછળની તરફ આવેલી દુકાનો સાથે ભટકાવી દીધુ હતુ.
નીંદર માણી રહેલા શ્રમિકો પર ડમ્પર ચઢી જતાં મોટા ભાગના મૃતકોની ડેડબોડી કચડાઈ ગઈ હતી. એકસાથે 15 લોકોનાં મોત થતાં ઘટનાસ્થળે લોહીનાં ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. આવી હાલત વચ્ચે પોલીસકર્મીઓએ લોહી નીતરતી હાલતમાં 12 ડેડબોડી ટેમ્પોમાં ભરીને હોસ્પિટલમાં ખસેડી હતી.
આ તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડા જીલ્લાના કુશલગઢના વતની હોવાનું બહાર આવ્યું છે. આ તમામ લોકો દિવસ દરમ્યાન કડીયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ ઘટનામાં છ મહિનાની બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. પણ બદનસીબે આ 6 મહિનાનો જીવ એક જ દુર્ઘટનાથી અનાથ થઇ ગયો હતો. આ બાળકી માતા-પિતા સાથે મીઠી નિદ્રા માણી રહી હતી એ સમયે યમરાજ બનીને આવેલા ડમ્પરે ફૂટપાથ પર સૂતેલા શ્રમિકો સાથે બાળકીનાં માતા-પિતાને પણ કચડી નાખતાં ઘટનાસ્થળે તેમનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો હતો. લાશોના ઢગલા વચ્ચે બાળકીનું રુદન સાંભળી પોલીસ પણ ચોંકી ઊઠી હતી .
મુખ્યમંત્રી રૂપાણીએ મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીના પરિવારને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે. જ્યારે વડાપ્રધાન મોદીએ મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની કેન્દ્ર સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે.