કિદામ્બી શ્રીકાંતની બેડમિન્ટન કેરિયરે તેને આકાશી ઉડ્ડયન કરાવવાની સાથે જમીન પર ચત્તોપાટ પાડી નાંખવા સુધીનો પ્રવાસ કરાવ્યો છે. એક સમયે વર્લ્ડ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચેલો શ્રીકાંત ઓલિમ્પિક ગેમ્સમાં ક્વોલિફાઇ કરવામાં પણ ફેલ ગયો હતો અને તેના કારણે જ એવું કહી શકાય કે તેણે પોતાની કેરિયરના ચાર વર્ષમાં ઘણા ઉતારચઢાવ જોઇ લીધા છે. કદાચ આટલા ઉતારચઢાવ જોવાના કારણે જ શ્રીકાંતે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતવા છતાં તેની એટલા જોશભેર ઉજવણી નથી કરી, કદાચ એવું બની શકે કે તેને પોતાની વાપસીની ઉજવણી કરવાની કોઇ જરૂર નહીં લાગી હોય. શ્રીકાંતે તેના સ્થાને એ ધીરજ બતાવી કે જેના કારણે તે ફિટનેસ અને ફોર્મ સામે ઝઝુમતો હતો તે દરમિયાન પણ વૈશ્વિક તખ્તે પડકાર આપી રહ્યો હતો.
ગંટુરમાં રહેતા કિદામ્બી શ્રીકાંતે 2001માં પોતાના ભાઇ નંદગોપાલને પગલે ચાલીને બેડમિન્ટન રેકેટ પકડ્યું હતું અને તે પુલેલા ગોપીચંદ એકેડમી સાથે જોડાઇને ટ્રેનિંગ કરવા લાગ્યો હતો. શ્રીકાંતે શરૂઆતમાં ડબલ્સ ખેલાડી તરીકે પોતાની કેરિયર શરૂ કરી અને તેમાં તેને સફળતા મળી હતી, જે તે સમયે એવું લાગતું હતું કે તે ડબલ્સ ખેલાડી તરીકે જ પ્રસ્થાપિત થવા માગે છે. જો કે તે પછી તેની શક્તિ અને કૌશલ્યને પારખીને મુખ્ય કોચ પુલેલા ગોપીચંદે તેને સિંગલ્સ મેચમાં રમવાની સલાહ આપી અને તેમની સલાહને અનુસરી તેણે સિંગલ્સ ખેલાડી તરીકે રમવાનું શરૂ કર્યું અને 2013માં જ તેણે પોતાનું પહેલું સિંગલ્સ ટાઇટલ થાઇલેન્ડ ઓપનના રૂપમાં જીતી લીધું. શ્રીકાંતે ચીન ઓપન સુપર સીરિઝ પ્રીમિયરની ફાઇનલમાં પાંચ વારના વર્લ્ડ ચેમ્પિયન અને બે વારના ઓલિમ્પિક્સ ચેમ્પિયન લિન ડેનને હરાવ્યો તે પછી રિયો ઓલિમ્પિક્સમાં તેની પાસે મેડલની આશા જાગી હતી. જો કે રિયોમાં તે ક્વાર્ટર ફાઇનલથી આગળ વધી શક્યો નહોતો.
તે પછી શ્રીકાંતે 2017માં પાંચ સુપર સીરિઝની ફાઇનલ રમી તેમાંથી ચાર ટાઇટલ જીતવાની સાથે જ એક કેલેન્ડર યરમાં પાંચ ટાઇટલ જીતનારા લી ચોંગ વેઇ, લિન ડેન અને ચેન લોંગ જેવા ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ સામેલ કરાવ્યું હતું. તેની સાથે જ કિદામ્બી શ્રીકાંત દેશના બેડમિન્ટન પ્રેમીઓના હૃદયમાં વસી ગયો હતો. જો કે 2017 નવેમ્બરમાં ફ્રેન્ચ ઓપન દરમિયાન તેના ઘુંટણમાં ઇજા થઇ અને નેશનલ ચેમ્પિયનશિપ દરમિયાન તે ઘણી વધી ગઇ હતી.
શ્રીકાંતે ઇજામાંથી સાજા થયા પછી ગોલ્ડ કોસ્ટ 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો અને એપ્રિલમાં એક અઠવાડિયા દરમિયાન વર્લ્ડ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું. જો કે તે પછીથી શ્રીકાંતનો ખરાબ સમય શરૂ થયો. ઘુંટણ અને ઘુંટી સંબંધિત ઇજાઓને કારણે તેનું પ્રદર્શન પ્રભાવિત થયું. ઓલિમ્પિક્સ ક્વોલિફિકેશનને ધ્યાનમાં રાખીને શ્રીકાંતે ઇજામાંથી સંપૂર્ણ બહાર આવવાના સ્થાને ઉતાવળ કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો. આ દરમિયાન કોર્ટ પર તેની મૂવમેન્ટ ધીમી હતી અને તેના શોટ એટલા સચોટ નહોતા રહ્યા અને પરિણામ એ આવ્યું કે તે ઘણી મેચો હારતા ટોપ ટેનમાંથી પણ આઉટ થઇ ગયો.
વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જેવી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં પુરૂષ સિંગલ્સમાં આજ સુધી કોઇ ભારતીય ફાઇનલમાં પ્રવેશી શક્યો નહોતો અને શ્રીકાંતે આ વર્ષે એ ચમત્કાર કરવાની સાથે જ સિલ્વર મેડલ જીત્યો હતો અને તે પણ આ ચેમ્પિયનશિપની પુરૂષ સિંગલ્સમાં ભારતનો પ્રથમ સિલ્વર મેડલ રહ્યો છે. આ પહેલા વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પ્રકાશ પાદુકોણે અને બી સાઇ પ્રણીતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને આ વર્ષે તેમાં યુવા ખેલાડી લક્ષ્ય સેનનું નામ પણ જોડાયું છે. જો કે શ્રીકાંતે આ બધાથી એક પગલું વધુ આગળ ભરીને સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિલ્વર મેડલ જીતવા છતાં શ્રીકાંતે સપનું સાકાર થવા જેવી કોઇ વાત કરી નથી. તેણે માત્ર એટલું જ કહ્યું હતું કે મેં તેના માટે ઘણી મહેનત કરી છે અને મને ઘણી ખુશી છે કે હું આજે અહીં ઊભો છું.
શ્રીકાંતના મનની પીડા તેના સિવાય જો કોઇ બીજુ જાણતું હોય તો તે છે મુખ્ય કોચ પુલેલા ગોપીચંદ. મહીનાઓ સુધી ઝઝુમવા છતાં ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ નહીં કરી શકવાથી તેનો જે હૃદયભંગ થયો હતો અને તે પછી મળેલી આ સફળતા છતાં તે લાગણીના પ્રવાહમાં ખેંચાયો નહોતો. ગોપીચંદે ખુદ એવું નિવેદન કર્યું હતું કે તેણે જે પ્રકારની પ્રતિક્રિયા આપી તેનાથી હું ખુશ છું અને મને લાગે છે કે તે પોતાની કેરિયર પુરી થયા પછી આ વાતની ઉજાણી કરશે. ગોપીચંદે જણાવેલી આ વાતથી એવું સમજાઇ જાય છે કે શ્રીકાંત પોતાની જાતને સંભાળવા માટે જે કરવું જોઇએ તે કરી રહ્યો છે.
અહીં ખાસ એ પણ નોંધ કરવી જરૂરી છે કે આ વર્લ્ડ ચેમ્પિયનશિપ શરૂ થવા પહેલા શ્રીકાંતે વિઝાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને તે આ ટૂર્નામેન્ટ રમી શકશે કે કેમ તે અંગે શંકાઓ ઊભી થઇ હતી. આવી સમસ્યાઓમાંથી પસાર થયેલો ખેલાડી મનથી ભાંગી પડે છે પણ શ્રીકાંતે એ સમસ્યાને હાવી થવા દેવા વગર પોતાની રમતને અજવાળીને તેણે મેડલ જીતી બતાવ્યો. આ મેડલ તેના જુસ્સા અને ધીરજનું પ્રતિક બન્યો છે અને કદાચ આવનારા સમયમાં કિદામ્બી શ્રીકાંત ફરી એકવાર વૈશ્વિક બેડમિન્ટન તખ્તે પોતાના નામની અને તેની સાથે જ ભારતના નામની વિજય પતાકા લહેરાવતો જોવા મળી શકે છે.