લગ્નો સ્વર્ગમાં નક્કી થતા હશે કે નહીં તે તો ખબર નથી પણ ફિલ્મવાળાઓની લવસ્ટોરી સફળ ફિલ્મમાં સાથે કરવાથી અનેકવાર સર્જાય છે. ધર્મેન્દ્ર-હેમા માલિની, રિશીકપૂર-નીતુસીંઘથી માંડી રણવીર સીંઘ-દિપીકા પાદુકોણ લગ્નોની કહાણી સુધી પહોંચ્યા તે ફિલ્મોના કારણે. રણબીર-આલિયા ભટ્ટની લવસ્ટોરી હવે મેરેજસ્ટોરીમાં પલટાવાની નજીક છે અને આ દરમ્યાન બીજી લવ સ્ટોરીઓ ઘડાય રહી છે અને તેમાંની એક છે કિયારા અડવાણી અને સિધ્ધાર્થ મલ્હોત્રાની. ‘શેરશાહ’ ફિલ્મમાં તેઓ બન્ને સાથે હતા. ફિલ્મ સફળ ગઈ અને તેઓ એકબીજા સાથે ફરતા થઈ ગયા. કિયારાએ સિધ્ધાર્થ વિશે થોડા દિવસ પહેલાં કહેલું કે તે પોતાના કામમાં એકદમ ડૂબી જાય છે. તે ખૂબ વાંચે છે અને મને એવું જ ગમે છે. અમને બન્નેને એટલે જ એકબીજા સાથે બહુ ફાવે છે. ફિલ્મજગતમાં જો કોઈ મારો ખૂબ જ નજીકનો મિત્ર હોય તો તે સિધ્ધાર્થ જ છે.
આ શબ્દો જ કહે છે કે બંને વચ્ચે નિકટતા સર્જાય ચુકી છે અને હમણાં તેઓ નવું વર્ષ ઉજવવા વિદેશમાં ક્યાંક ઉપડી ગયા છે. ફિલ્મ- પત્રકારોને નવા પ્રેમપંખીડા મળવાથી મઝા આવી છે કારણ કે પ્રેમીઓ પરણી જાય પછી સ્ટોરી જેવું રહેતું નથી. હા, એ લગ્નમાં વિવાદો સર્જાય તો પત્રકારો ખુશ થતા હોય છે કે હાશ, ફરી પાછી સ્ટોરી મળી. કિયારા સાથેનો સંબંધ સિધ્ધાર્થને એટલે પણ ગમતો હશે કે તેની નિષ્ફળ જતી કારકિર્દી કિયારા સાથેની ફિલ્મથી બચી ગઈ છે. સિધ્ધાર્થ પાસે અત્યારે ‘યોધ્ધા’, ‘થેન્ક ગોડ’ અને ‘મીશન મજનુ’ ફિલ્મો છે. આમાંની એકેય ફિલ્મમાં તે કિયારા સાથે નથી. આજકાલ ઘણા ફિલ્મી પ્રેમીઓ એવું કરે છે કે જૂદા સાથે કામ કરે છે. એક અર્થમાં બનંને પોતાને જોઈતો અવકાશ પણ મળી રહે છે. સિધ્ધાર્થ પાસે છે તેનાથી વધારે ફિલ્મો કિયારા પાસે છે.‘ભુલભુલૈયા-2’ તો રજૂ થવાની તૈયારીમાં છે આ ઉપરાંત ‘ગોવિંદા નામ મેરા’ પણ પુરી થઈ ચુકી છે. એ ફિલ્મમાં તે વિકી કૌશલ અને દીપેન્દ્ર સીંઘ સાથે છે. ને શશાંક ખેતાન તેનો ડાયરેક્ટર છે. ‘જૂગ જુગ જિયો’માં તે વરુણ ધવન સાથે છે. ‘આરસી 15’માં રામચરણ તેનો હીરો છે. તમે એમ કહી શકો કે કિયારા અને સિધ્ધાર્થ બંનેની કારકિર્દીમાં અત્યારે ગતિ આવી ગઈ છે. કિયારા તો આશુતોષ ગોવારીકરની ‘કર્રમ કુર્રમ’માં પણ દેખાશે અને રણવીર સીંઘ સાથે એનીયનની એક હિન્દી રિમેકમાં પણ કામ કરશે.
કિયારા સિમ્પલ દેખાતી બ્યુટીફૂલ એક્ટ્રેસ છે. તે કોઈને પણ નેકસ્ટ ડોરગર્લ લાગે એવી છે. જોકે પડોશમાં રહેલી છોકરી બ્યુટીફૂલ હોય તેવું પણ સ્વીકારીને ચાલવું યોગ્ય છે. કિયારા અત્યારે 29 વર્ષની છે. તે તરત તો પરણવા માંગતી ન જ હશે પણ પ્રિયંકા ચોપરા, દિપીકા પાદુકોણની જેમ સમયસર પરણવામાં જરૂર માનતી હશે. પરંતુ તે પોતાની અને સિધ્ધાર્થની વધુ ફિલ્મો સફળ જાય પછી જ લગ્ન પ્લાન કરશે. સિધ્ધાર્થ અને કિયારા બન્નેમાં વધારે સફળ અત્યારે કોણ છે. એવું કોઈ પૂછે તો સ્પષ્ટ રીતે કિયારા જ છે સિધ્ધાર્થ પણ ઈચ્છતો હશે કે તે વધુ ફિલ્મોમાં કામ કરે. અત્યારે તો લાગે છે કે આ લવસ્ટોરી સમય જતાં મેરેજસ્ટોરી બનશે.