Entertainment

કિયારા… ફરી એક ગુડન્યૂઝની તલાશમાં

કિયારા અડવાણી ‘ગુડન્યૂઝ’ પછી જાણે ગૂડ ન્યૂઝ સંભળાવાવાનું જ ચુકી ગઇ. અલબત્ત ‘લક્ષ્મી’ આવી પણ તેનાથી લક્ષ્મી ન આવી અને ‘ઇન્દુકી જવાની’ કોઇએ ચર્ચી નહીં. કિયારા હજુ પોતાને સ્ટાર તરીકે એસ્ટાબ્લિશ કરવા પ્રયત્નશીલ છે એટલે તેને આવી વાતનું લાગી આવે છે. પણ હવે તેની ‘શેરશાહ’ રજૂ થઇ રહી છે. કરણ જોહરની ફિલ્મ છે ને કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક છે એટલે આ વખતે તે જરા વધારે ઉત્સાહમાં છે.

ભલે ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થતી હોય પણ સારી ફિલ્મને તો લોકો સારી જ ગણશેને! કિયારા જાણે છે કે મુખ્ય ભૂમિકા તો સિધ્ધાર્થ મલ્હોત્રાની જ છે પણ સાથે એ પણ જાણે છે કે અત્યારે સિધ્ધાર્થથી વધારે આકર્ષણ પોતાનું જ છે. સિધ્ધાર્થનું પાત્ર જોવાશે ને પણ કિયારાને તો કિયારા તરીકે જોવાશે. ‘કબીર સીંઘ’ પછી તેનામાં જાણે વધારાનું ગ્લેમર ઉમેરાયું છે. ઓગસ્ટ મહિનો રાષ્ટ્રપ્રેમ માટે ખાસ છે ને ‘શેરશાહ’ 12મી ઓગસ્ટે રજૂ થવાની છે. ચંડીગઢ, પાલનપૂર, કારગીલ-લડાખ અને કાશ્મીરમાં ફિલ્માવાયેલી આ ફિલ્મમાં કિયારા ડિમ્પલ છીમા બતી છે કે જે કેપ્ટન બત્રાની ફિયાન્સી છે. તમિલ ફિલ્મોદ્યોગના વિખ્યાત દિગ્દર્શક વિષ્ણુવર્ધનની પહેલી જ હિન્દી ફિલ્મ છે. એટલે તેણે પણ જબરર્દસ્ત મહેનત કરી છે. કિયારા દબાતા મોઢે બોલે છે કે કોરોના પછીની એક સફળ ફિલ્મ પ્રેક્ષકોને જોવા મળશે.

આ 31 જુલાઇએ 29માં વર્ષમાં પ્રવેશેલી કિયારા અત્યારે નવા ઉત્સાહથી કામ કરી રહી છે. તાજ્જી તાજ્જી, કોલેજગર્લનું લુક ધરાવતી કિયારાની જબરદસ્ત સેકસઅપીલ છે ને સાથે જ તેા ચહેરામાં નિર્દોષપણુંય છે. થિયેટરોમાં ફિલ્મ રિલીઝ નથી થતી તો જરા ધૂઆંપુઆં જરૂર છે. ગયા વર્ષે ‘ગિલ્ટી’ અને ‘લક્ષ્મી’માંથી એક નેટફલિકસ પર ને બીજી હોટસ્ટાર પર રજૂ થયેલી અને ‘શેરશાહ’ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રજૂ થશે. તેને લાગવા માંડયુ છે કે તે શું ઓ.ટી.ટી. સ્ટાર બની ગઇ છે ?

પણ ‘શેરશાહ’ તો આ આવી અને પછી આવી રહી છે ‘જૂગ જૂગ જિઓ’, ‘ભૂલભૂલૈયા-૨’, ‘મિસ્ટર લેલે’. આમાં ‘જૂગ જૂગ જિઓ’ તો બનીને તૈયાર છે. વરુણ ધવન સાથે તેની બબ્બે ફિલ્મો આવી રહી છે, તેમાંની પહેલી ‘જૂગ જૂગ જીઓ’ છે. આ ફિલ્મ પણ કરણ જોહરની જ છે અને ફિલ્મમાં નીતૂ કપૂર, અનિલ કપૂર પણ છે. હજુ નક્કી નથી થયું કે તે કયારે રજૂ થશે પણ સ્વભાવિક રીતે જ આ કોરોના સમય પૂરો થાય તેની રાહ જોવાય રહી છે. ‘ભૂલભૂલૈયા-૨’ તો સિકવલ છે અને આ હોરર કોમેડીનું દિગ્દર્શન અનિશ બઝમી કરે છે. આ ફિલ્મ આ વર્ષમાં જ રજૂ થવાની નક્કી છે. ‘મિસ્ટર લેલે’ ફરી કરણ જોહરની ફિલ્મ છે જેમાં તે વિકી કૌશલ સાથે કામ કરી રહી છે. જેનું દિગ્ર્શન શશાંક ખેતાન કરે છે.

કિયારા અડવાણી એક સમયે તેલુગુ ફિલ્મોમાં હતી અને દક્ષિણમાં કામ કરીને આવેલી અભિનેત્રીઓને એવું હોય છે કે હિન્દીમાં સ્વીકાર ન થાય તો ફરી તમિલ-તેલુગુમાં જવું પડશે. કિયારાને હવે એવી જરૂર નથી રહી, તેથી વધારે ખુશ છે. મુંબઇમાં જ જન્મેલી કિયારા સઇદ જાફરી અને અશોકકુમાર સાથે સગપણ ધરાવે છે પણ કયારેય તે વિશે બહુ કહેતી નથી. ફિલ્મોમાં સારું કામ કરો અને એ ફિલ્મો સફળ જાય એવી પ્રાર્થના કરો. બસ એજ એક રસ્તો છે ટકી જવાનો. અને તે ટકી જ નથી ગઇ, ટકાટક ચાલી રહી છે.

Most Popular

To Top