માતૃત્વ જીવનમાં ૩૬૦ ડીગ્રી નું પરિવર્તન લાવે છે. અને જયારે કોઈ અભિનેત્રી માતા બને છે ત્યારે તેના ચાહકો નો તેની તરફનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. તેમને ઘણીવાર પૂછવામાં આવે છે કે શું તેઓ કામ કરવાનું ચાલુ રાખશે કે આ માતૃત્વના તબક્કાનોઆનંદ લેવા માટે રજા લેશે અથવા વજન ઘટાડવા માટે તેણે શું કર્યું કે શું ન કર્યું? કિયારા અડવાણી પણ આ બાબતમાં અપવાદ નથી. જયારે તેને પહેલીવાર મે ગાલા ૨૦૨૫ માં સગર્ભા જોઈ હતી ત્યારે તેની સુંદરતા જોઈ દુનિયા પાગલ થઇ ગઈ હતી.જુલાઈ ૨૦૨૫ માં તેની દીકરી સારાયા નો જન્મ થયો અને ત્યારથી તે તેની દુનિયાનું કેન્દ્ર બની ગઈ છે. એક દાયકા થી વધુ સમય તેના અભિનય ની કારકિર્દીને થયો અને માતૃત્વ ને કારણે તેના જીવનમાં ઘણા મોટા પરિવર્તનો આવી ગયા. એક માતા પોતાના બાળક માટે કેટલી પ્રોટેકટીવ બની જાય છે તેવી લાગણી તેને પણ થાય છે અને તે કહે છે કે,” હું હવે વાઘણ જેવી બની ગઈ છું.” તાજેતરમાં, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા કે જેઓ પણ પહેલીવાર માતા બન્યા ત્યારે તેમણે પણ આવી જ લાગણીનો અનુભવ કર્યો હતો. તે વધુ માં કહે છે કે,” હવે હું જીવનને સંપૂર્ણ અલગ દ્રષ્ટિકોણથી જોઉં છું. એવું લાગે છે કે બીજું કોઈ મહત્વનું નથી અને તે જ સમયે એમ પણ લાગે છે કે બધું જ મહત્વનું છે.” માતા પિતા બનવાથી ઘણા યુગલોના પરસ્પરના સમીકરણો સારા થાય છે. સ્વતંત્રતાનો અનુભવ કરતી કિયારા કહે છે કે,” લગ્ન પછી પોતાનું ઘર ચલાવવાની કે સાથે મળીને આપણી નવી દુનિયા બન્નાવવાની સંપૂર્ણ જવાબદારી આપણી પોતાની જ હોય છે. ચોક્કસ પરિવર્તન આવે છે પરંતુ તેનો એટલો બધો એહસાસ થતો નથી. બાકી બધું એનું એ જ છે. “

સિદ્ધાર્થ સાથેના તેના સંબંધ વિષે વધુ માં જણાવતા તે કહે છે કે,” લગ્ન પહેલા હું અને સિદ્ધાર્થ એક જ પ્રકારની મજાક કરતા હતા, સાથે મુસાફરી કરતા હતા અને તે બધું હજી પણ છે. અમે સાથે ફિલ્મો પણ જોઈએ છીએ કારણકે અમે બંને સિનેમાપ્રેમી છીએ અને એક દર્શક તરીકે અથવા એક અભિનેતા તરીકે ફિલ્મ જોઇને તેના વિષે ચર્ચા કરવાની અમને ગમે છે. “ કિયારા હવે તેની આગામી ફિલ્મ ‘ટોક્સિક:અ ફેરીટેલ ફોર ગ્રોન અપ્સ “ માં જોવા મળશે જે ૪ જુન, ૨૦૨૬ ના રોજ રીલીઝ થવાની છે. •