રાજકોટ: રાજ્યમાં કોરોનાના (Corona) કેસ ચિંતાજનક હદે વધવા માંડ્યા છે. કલસ્ટર, કન્ટેઈન્ટમેન્ટ ઝોન જેવા શબ્દો ફરી જીવનનો ભાગ બનવા લાગ્યા છે. ઠેરઠેર આરોગ્ય તંત્ર દ્વારા કલ્સ્ટર જાહેર કરવામાં આવી રહ્યાં છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીની સારવાર માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ડોક્ટરોની ઓપીડી ફૂલ થવા માંડી છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ 15મી જાન્યુઆરી સુધી તમામ સરકારી જાહેર કાર્યક્રમો રદ કરી દીધા છે. વાઈબ્રન્ટ સમિટ મોકૂફ કરાયો છે તો ફ્લાવર શો અને કાઈટ શો રદ કરી દેવાયા છે. નાઈટ કરફ્યૂનો સમય વધારી દેવાયો છે. સ્કૂલોમાં 1થી 9 ના વર્ગો બંધ કરાયા છે, ત્યારે પાટીદારોની મહાસભા માટે પણ પાટીદાર નેતાએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
- રાજકોટમાં સમાજના ટ્રસ્ટીઓની મિટીંગમાં સર્વાનુમત્તે નિર્ણય લેવાયો, કોવિડ ગાઈડલાઈન અનુસાર પાટોત્સવની ઉજવણી કરાશે
- કાગવડમાં 21મી જાન્યુઆરીએ યોજાનારા પાટોત્સવની 70 ટકા તૈયારી પૂરી થઈ હતી, 108 યજ્ઞ થવાના હતા, પરંતુ હવે 1 જ થશે
કાગવડ ખાતે 21 જાન્યુઆરીના રોજ યોજાનારો ખોડલધામ પાટોત્સવ (Khodaldham Patotsav) મૌકૂફ રાખવામાં આવ્યો છે. કોરોનાના વધતા કેસના પગલે આ નિર્ણય લેવાયો છે. પાટીદાર નેતા નરેશ પટેલે હવે ખોડલ પાટોત્સવ વર્ચ્યુઅલી (Virtually) યોજવાની જાહેરાત કરી છે. આ સાથે જ મહાસભા મૌકૂફ કરી દેવાઈ છે. રાજકોટમાં ખોડલધામ પાટોત્સવના આયોજન અંગે સત્તાવાર રીતે આજે જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે (Khodaldham Trust President Naresh Patel) પાટોત્સવના આયોજન અંગેની મૂંઝવણ દૂર કરી અંતિમ નિર્ણય લઈ લીધો છે. પાટોત્સવની ઉજવણી વર્ચ્યુઅલી કરવાની જાહેરાત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, 21 જાન્યુઆરીએ કાગવડ ખાતે ખોડલધામ પાટોત્સવના આયોજન અંગે ચર્ચા કરવા માટે આજે રાજકોટમાં ખોડલધામ પાટોત્સવને લઈને સમાજ અગ્રણીઓની મીટિંગ યોજાઈ હતી. રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે સમાજના ટ્રસ્ટીઓની મિટિંગમાં નિર્ણય લેવાઈ ગયો છે. જેમાં નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. જેમાં કોરોનાને લઈને પાટોત્સવ કેવી રીતે યોજવો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મીટિંગ બાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જાહેરાત કરી હતી કે, સરકાર દ્વારા જાહેર કરાયેલી કોવિડ ગાઈડલાઈન અનુસાર જ પાટોત્સવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ખોડલધામના મહાયજ્ઞમાં ગાઈડ લાઈન મુજબ હાજરી આપવામાં આવશે. જોકે, મહાસભા રદ્દ નથી કરતા. પરંતુ આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેનું આયોજન કરવામાં આવશે તેમ પટેલે ઉમેર્યું હતું.
ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ કહ્યુ કે, 21 જાન્યુઆરીના ખોડલધામનો પાટોત્સવનું આયોજન કરાયું છે, તેની 70 ટકા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. 30 લાખ પાટીદારો અહીં ભેગા થાય તેવો અંદાજ હતો, પરંતુ કોરોનાના કેસ વધતા પાટોત્સવ વર્ચ્યુઅલ કરવાનો નિર્ણય સર્વાનુમતે કરાયો છે. 108 યજ્ઞને બદલે 1 જ મહા યજ્ઞ કરવામાં આવશે. આ પાટોત્સવમાં અંદાજીત 30લાખ લોકો એકત્ર થવાના હતા.