ખેરગામ : ખેરગામ (Khergam) વલસાડ (Valsad) રોડ ઉપર માહ્યાવંશી મહોલ્લા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમાં રાશનકાર્ડ (Ration Card) ધારકોને જે અનાજનું વિતરણ કરાયું હતું, તેમાં તુવેરની દાળ સડી ગયેલી નીકળી હતી. જેને કારણે તાલુકાનાં અન્ય ગામમાં કેવા પ્રકારનું અનાજ વિતરણ થતું હશે એ એક સવાલ ઊભો થયો છે. ખેરગામના મુખ્ય ગોડાઉનમાંથી જ તાલુકાનાં 22 ગામમાં અનાજ સપ્લાય કરવામાં આવે છે, ત્યારે આ બાબતે પુરવઠા મામલતદાર તપાસ કરે એ જરૂરી છે. સરકાર દ્વારા ગરીબો ભૂખ્યા નહીં રહે એ માટે સસ્તા અનાજમાં ચોખા, ઘઉં, ચણા સાથે ખાંડ, મીઠાનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે.
- ગરીબોના પેટનો સસ્તો સોદો, સમગ્ર તાલુકામાં તપાસનો વિષય
- તાલુકાનાં અન્ય ગામમાં કેવા પ્રકારનું અનાજ વિતરણ થતું હશે એ સવાલ ઊભો થયો
- અમુક કટ્ટા એવા આવી ગયા હશે, જેમાં આવી તુવેરની દાળ છે
ખેરગામના મુખ્ય ગોડાઉનમાંથી જ સસ્તા અનાજનું વિતરણ કરાય છે
પરંતુ પુરવઠા વિભાગની લાપરવાહીને કારણે ઘણીવાર એ પણ ગરીબોને નસીબ થતું નથી અને કેટલીકવાર તો અત્યંત નિમ્નકક્ષાનું રાહતનું અનાજ વિતરણ કરવામાં આવતુ હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ખેરગામ તાલુકામાં આવેલાં 22 ગામમાં ખેરગામના મુખ્ય ગોડાઉનમાંથી જ સસ્તા અનાજનું વિતરણ કરાય છે. પરંતુ ખેરગામના માહ્યાવંશી મહોલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી 600 થી પણ વધુ પરિવારને વિતરણ કરવામાં આવેલી તુવેરની દાળમાં સડો લાગી ગયેલો અને પાઉડરવાળી દાળ હોવાની બૂમો ઊઠી હતી. જેને કારણે રાહતનું અનાજ લેવા આવેલા કેટલાક લોકોમાં નારાજગી જોવા મળી હતી, પરંતુ ઘણા ગરીબ પરિવારો સંચાલકોના ડરને કારણે ફરિયાદ પણ કરી શકતા નથી. આ બાબતે પુરવઠા મામલતદારે તપાસ કરાવી જોઈએ. જેથી ગરીબો સાથે અન્યાય ન થાય.
ગ્રાહકોને દાળ બદલી આપવા સૂચના આપી દીધી છે : પુરવઠા અધિકારી
આ બાબતે ખેરગામના પુરવઠા અધિકારી સેહુલ પટેલે જણાવ્યું હતું કે, સડેલી તુવરની દાળ ગ્રાહકોને વિતરણ કરાઈ હોવાની જાણ થતા સસ્તા અનાજની દુકાનના સંચાલકને તુવરની દાળ બદલી આપવાની સૂચના આપી દીધી છે.આ બાબતે માહ્યાવંશી મહોલ્લામાં રાહતની દુકાન ચલાવતા સંચાલક ગણેશભાઈએ જણાવ્યું હતું કે, અમુક કટ્ટા એવા આવી ગયા હશે, જેમાં આવી તુવેરની દાળ છે, અમે ગ્રાહકોને બદલી આપીશું.