ખેરગામ: (Khergam) ચીખલીના રૂમલા ગામના બરડીપાડા ફળિયામાં રહેતા નરેશભાઈ પીલીયાભાઈ ગાંવિત (ઉં.વ.53) ઉધના વિસ્તારમાં આવેલા હરિનગર-3 ખાતે નોકરી (Job) કરે છે. ગત ત્રણ માર્ચએ તેઓ પરિવાર સાથે બહાર ગયા હતા. તેમના બંધ મકાનના (House) પાછળના દરવાજામાં અડાગળાના ભાગે બાકોરું પાડી દરવાજો ખોલીને તસ્કરો (Thief) ઘરમાં ઘૂસ્યા હતા.
- રૂમલામાં દરવાજામાં બાકોરું પાડી ચોરી કરવા ઘૂસેલો ચોર પકડાયો
- બાકોરું પાડી દરવાજો ખોલીને તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા
- પડોશમાં રહેતા લોકોને બાજુના ઘરમાં ચોરી થતી હોવાની જાણ થઈ હતી
એ બાદ બેડરૂમમાં પ્રવેશી લાકડાના કબાટમાંથી પત્ની લીલાબેનના ચાંદીના સાંકડા એક જોડ કિં.રૂ. 2500, પુત્રી ખુશ્બુના ચાંદીના સાંકળા કિં.રૂ.1,500 તથા ઉપરના માળે આવેલા કબાટના ડ્રોવરમાંથી રોકડા રૂ.5,000 મળી 9,000ની ચોરી કરી તસ્કરો બહાર નીકળી રહ્યા હતા. દરમિયાન પડોશમાં રહેતા લોકોને બાજુના ઘરમાં ચોરી થતી હોવાની જાણ થઈ હતી. આથી તેમણે ખેરગામ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બનાવમાં પોલીસે ચોરી કરવા ઘૂસેલા સંદીપ નારણ પટેલ (ઉં.વ.42) (હાલ રહે., જય શિવમ સોસાયટી, સિંગણપોર, સુરત, મૂળ રહે., આંતલિયા, વાણીયા ફળિયું, ચીખલી, નવસારી)ને દબોચી લીધો હતો. જ્યારે અન્ય એક ભાગી છૂટ્યો હતો. આ મામલે ખેરગામ પોલીસે નરેશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉમરગામના પળગામની કંપનીમાંથી તાંબાના વાયરોના સ્ક્રેપમાંથી બનાવેલા બંચની ચોરી
ઉમરગામ : ઉમરગામના પળગામ સ્થિત કંપનીમાંથી તાંબાના વાયરોના સ્ક્રેપમાંથી બનાવેલા બંચ આશરે 25 કિંમત રૂપિયા 3,75,000 ની મત્તાની ચોરી થઈ હોવાના બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના પળગામ ખાતે આવેલી રત્નચિંતામણી મેટાલોયસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થોડા દિવસ પહેલા કોઈ ચોર ઈસમો કંપનીમાં દિવાલના ભાગેથી આવી અંદર પ્રવેશ કરી કંપનીના મેલ્ટીંગ ડિપાર્ટમેન્ટમાંથી જુના તાંબાના વાયરોના સ્ક્રેપમાંથી બનાવેલા બંચ આશરે 25 કુલ વજન 625 કિલો કિંમત રૂપિયા 3,75,000 ની મત્તાની ચોરી કરી ચોર ઈસમો નાસી ગયા હતા. આ ઘટના કંપનીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ બનાવની ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કંપનીમાં કામ કરતા કોલેટી પ્રોડક્શન મેનેજર નિલેશ જાદવ (રહે ભાઠીકરબેલી ઉમરગામ)એ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.