ખેરગામ: (Khergam) ખેરગામ બાવળી ફળિયા ખાતે રહેતા વિપીનચંદ્ર કરશનભાઇ પટેલ (ઉવ.51)એ વાવ ફાટક પાસે આવેલી તેમની આંબાવાડીમાં ઝાડ ઉપર નાયલોન દોરી વડે ફાંસો લટકાવી આપઘાત (Suicide) કરી લેતા સમગ્ર ખેરગામ વિભાગમાં સનસનાટી મચી ગઇ હતી.
- ખેરગામમાં તલાટીએ ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર
- તલાટીએ તેમની આંબાવાડીમાં ઝાડ ઉપર નાયલોન દોરી વડે ફાંસો લટકાવી આપઘાત કરી લીધો
- મરનાર વિપીનચંદ્ર ખેરગામ તાલુકાના ગામોમાં વર્ષોથી તલાટી કમ મંત્રી તરીકે સેવા આપતા હતા
આ મામલે તેમના સંબંધી સશીનભાઈ ઘેલાભાઈ પટેલે ખેરગામ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી લાશનું પીએમ કરાવી આગળની તપાસ એએસાઈ કૃણાલ પટેલે હાથ ધરી છે. મરનાર વિપીનચંદ્ર ખેરગામ તાલુકાના ગામોમાં વર્ષોથી તલાટી કમ મંત્રી તરીકે સેવા આપતા હતા. હાલમાં તેઓ ચીખલીના ઢોલુમ્બર ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા.
પુત્ર સવારે શાળાએ ગયો અને પતિ નોકરીએ ગયા બાદ પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
પારડી : પારડીના દમણીઝાંપા ખાતે આવેલી બિલ્ડિંગના ફ્લેટમાં ૩૮ વર્ષિય પરિણીતાએ પરિવારની ગેરહાજરીમાં ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઇ હતી. આપઘાત પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી.
પારડી દમણીઝાંપા ખાતે સાંઈ કોમ્પ્લેક્ષના ફ્લેટમાં રહેતા ખુશ્બુ નિલેશ પટેલનો હાલ 13 વર્ષનો રિધમ નામે દીકરો છે. આજરોજ સવારે તેનો દીકરો રિધમ સાડા સાતેક વાગ્યે સ્કૂલે ગયો હતો. પતિ નિલેશભાઈ આઠેક વાગ્યે નોકરી પર ગયા હતા. આ દરમિયાન ઘરે ખુશ્બુ એકલી હતી. બપોરે જ્યારે નિલેશભાઈના પિતા ઘરે જમવા આવતા ખુશ્બુએ ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. જેથી તેના પિતાએ નિલેશને ફોન કરી જાણ કરતાં નિલેશ ઘરે આવ્યો હતો. દરવાજો તોડી જોતાં ખુશ્બુ બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તેને નીચે ઉતારી પારડી હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે ખુશ્બુને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ તેમના સગાસંબંધીઓ તથા મિત્ર વર્તુળને થતાં તેઓ મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી આવ્યા હતા. જોકે, હાલ પોલીસ મથકે ખુશ્બુએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.