ખેડા: તાલુકા મથક ખેડામાં વાત્રક બ્રિજની એપ્રોચ જગ્યામાં એમજીવીસીએલ દ્વારા વર્ષો પહેલા વીજપોલ લગાવવામાં આવ્યાં હતાં. હાલ વાત્રક બ્રિજ ની બાજુમાં નવીન બ્રિજ નું કામ ચાલતું હોવાથી આર એન્ડ બી વિભાગ ની જગ્યા માં નાખવામાં આવેલા એમજીવીસીએલના આ વીજપોલ નડતરરૂપ બન્યાં છે.
કેટલાક વીજપોલ નમી ગયાં હોઈ બ્રીજના કામ દરમિયાન દુર્ઘટના સર્જાવાની શક્યતા પણ સેવાઈ રહી છે. નજીકમાં રહેણાંક વિસ્તાર આવેલો હોઈ જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ થવાની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. ત્યારે એમજીવીસીએલ તંત્ર દ્વારા આ નડતરરૂપ વીજપોલને દુર કરવામાં આવે તેવી આર એન્ડ બી વિભાગ દ્વારા માંગ કરવામાં આવી છે. જો કે ખેડા એમજીવીસીએલ વિભાગમાં ફરજ બજાવતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી.
એમજીવીસીએલ તંત્ર દ્વારા આ નડતરરૂપ વીજપોલ દૂર કરવાને બદલે એ જગ્યામાં નવી ડીપી નાખી રહી છે. જો આમ થશે તો આગામી સમય માં બહુ મોટી સમસ્યા સર્જાય શકે તેમ છે ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈને એમજીવીસીએલ વિભાગ દ્વારા વહેલી તકે આ વીજપોલ હટાવવામાં આવે તેવી લોકોમાંગ ઉઠવા પામી છે.