Madhya Gujarat

ડાકોરમાં શ્રી રણછોડરાયજીમંદિરના દર્શનનો સમય નક્કી કરાયો

નડિયાદ : યાત્રાધામ ડાકોર ( DAKOR) માં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર (RANCHODJI TEMPLE) ના સેવક આગેવાનો, તેમજ વારાદારી સેવકો સાથે મંદિર ટ્રસ્ટની તાજેતરમાં મિટીંગ મળી હતી. જેમાં ફાગણી પુનમ દરમિયાન મંદિરના દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. તેમજ ફાગણી પુનમ બાબતે અન્ય ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી.

મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયેલા નિર્ણય મુજબ આગામી તારીખ ૨૭ માર્ચ ૨૦૨૧ ને શનિવારે એટલે કે ફાગણ સુદ ચૌદશ તેમજ તારીખ ૨૮ માર્ચ ૨૦૨૧ ને રવિવાર એટલે કે ફાગણ સુદ પુનમના દિવસે વહેલી સવારે ૬ વાગ્યાના અરસામાં નિજમંદિર ખુલશે.

અને ૬-૧૫ વાગ્યાના અરસામાં મંગળા આરતી થશે. આ દર્શન ૮-૩૦ વાગ્યા સુધી સતત ખુલ્લાં રહેશે. ૮-૩૦ થી ૯ વાગ્યાં દરમિયાન શ્રી રણછોડરાયજી મહારાજને બાલભોગ, શ્રૃગાંરભોગ અને ગોવાળભોગ એમ ત્રણેય ભોગ એકસાથે ધરાવાશે. આ સમયગાળા દરમિયાન દર્શન બંધ રહેશે. જે બાદ ૯ વાગ્યાના ૧૦-૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લાં રહેશે. ૧૦-૩૦ થી ૧૧-૧૫ વાગ્યા સુધી શ્રી રણછોડરાયજી ભગવાન રાજભોગ આરોગવા બિરાજશે.

જે સમયગાળા દરમિયાન દર્શન બંધ રહેશે. ૧૧-૧૫ વાગે રાજભોગ આરતી થયાં બાદ ૧૨ વાગ્યાં સુધી દર્શન ખુલ્લા રહેશે. જે બાદ શ્રી રણછોડરાયજી મહારાજ અનુકુળતાએ પોઢી જશે. જે બાદ સાંજના ૪ વાગે નિજમંદિર ખુલી ૪-૧૫ વાગ્યે ઉત્થાપન આરતી થઈ નિત્યક્રમાનુસાર શયનભોગ અને સખડીભોગ આરોગી ૭-૩૦ વાગ્યાના અરસામાં ભગવાન પોઢી જશે.

પુનમના બીજા દિવસે તારીખ ૨૯ માર્ચ ને સોમવારના રોજ એટલે કે ફાગણ વદ એકમના દિવસે મંદિરમાં ફુલડોળ ઉત્સવ ઉજવાશે. આ દિવસે વહેલી સવારે ૬ વાગ્યાના અરસામાં નિજમંદિર ખુલી ૬-૧૫ વાગ્યા સુધીમાં મંગળા આરતી થશે.

જે દર્શન ૮-૩૦ વાગ્યાં સુધી ખુલ્લા રહેશે. ૮-૩૦ થી ૯ વાગ્યાં સુધી શ્રી રણછોડરાયજી મહારાજ બાલભોગ, શ્રૃંગારભોગ અને ગોવાળભોગ એમ ત્રણેય ભોગ એકસાથે આરોગવા બિરાજશે. જે દરમિયાન દર્શન બંધ રહેશે. ૯ વાગ્યે દર્શન ખુલશે અને ભગવાન ફુલડોળમાં બિરાજશે. ફુલડોળના આ દર્શન ૧૧ વાગ્યા સુધી થશે.

જે બાદ ૧૧ વાગ્યાના અરસામાં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાન રાજભોગ આરોગવા બિરાજમાન થનાર હોઈ ૧૨ વાગ્યાં સુધી દર્શન બંધ રહેશે. ૧૨ વાગ્યે દર્શન ખુલતાંની સાથે રાજભોગ આરતી થશે. જે બાદ ભગવાન અનુકુળતાએ પોઢી જશે. સાંજે ૪ વાગ્યે નિજમંદિર ખુલી ૪-૧૫ વાગ્યે ઉત્થાપન આરતી થશે. જે બાદ નિત્યક્રમાનુંસાર શયનભોગ અને સખડીભોગ આરોગી રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાન સાંજે ૭-૩૦ વાગ્યાંના અરસામાં પોઢી જશે.

અત્રે નોંધનીય છે કે કોરોના મહામારીને પગલે ફાગણી પુનમ દરમિયાન તારીખ ૨૭, ૨૮ અને ૨૯ માર્ચના રોજ શ્રી રણછોડરાયજી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ત્રણેય દિવસો દરમિયાન મંદિરમાં શ્રધ્ધાળુઓને પ્રવેશ મળશે નહી. જો કે શ્રધ્ધાળુઓ મોબાઈલ કે ટીવીના માધ્યમથી રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનના ઓનલાઈન દર્શન કરી શકશે.
મંદિરની બહાર ધજા સ્વીકારવાના તેમજ લાડુ પ્રસાદી માટે કાઉન્ટર ઉભા કરાશે.

ફાગણી પુનમને લઈ ડાકોરમાં શ્રી રણછોડરાયજીનું મંદિર ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમ છતાં આ દિવસોમાં જો કોઈ શ્રધ્ધાળુઓ ધજા સાથે પદયાત્રા કરીને ડાકોર આવી પહોંચે તો તેમની ધજા સ્વીકારવા માટે મંદિરની બહાર ચાર જેટલા પોઈન્ટ ઉભા કરવામાં આવશે. તદુપરાંત મંદિર બહાર લાડુ પ્રસાદી માટેના કાઉન્ટર પણ ઉભા કરવામાં આવશે.

ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ ફરમાવતાં તંત્રના નિર્ણયથી ભક્તોમાં નિરાશા

ખેડા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વકરતાં જતાં કોરોનાના કહેરને પગલે ખેડા જિલ્લા કલેક્ટરે ગત તારીખ ૬ માર્ચના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી ફાગણી પુનમનો મેળો રદ કરવાની જાહેરાત કરી હતી. તેમજ ફાગણી પુનમ નિમિત્તે ત્રણ દિવસ માટે શ્રી રણછોડરાયજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જે નિર્ણયને સૌ કોઈએ આવકાર્યો પણ હતો. જો કે બીજી બાજુ તંત્રની રહેમનજર હેઠળ જિલ્લામાં ઠેર-ઠેર રાજકીય કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. ત્યારે રાજકીય કાર્યક્રમોને છુટ આપવાની તેમજ ધાર્મિક કાર્યક્રમો પર રોક લગાવવાની તંત્રની બેવડી નિતીથી ભક્તોમાં નિરાશા વ્યાપી છે.

આમલકી અગિયારશે ઠાકોરજીની હાથી પર સવારી નહી નીકળે

યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં ફાગણ સુદ અગિયારસ એટલે કે આમલકી એકાદશીના દિવસે ઠાકોરજી ભગવાનની હાથી પર સવારી નીકળે છે. મંદિરથી સાંજના સમયે નીકળતી ભગવાનની આ સવારી સૌ પ્રથમ લાલબાગ જાય છે. જે બાદ લક્ષ્મીજી મંદિર થઈ પરત નિજમંદિર ફરે છે. જો કે આ વખતે કોરોના મહામારીને પગલે મંદિરમાં ફાગણી પુનમનો મેળો રદ કરવામાં આવ્યો છે.

ત્યારે મંદિર ટ્રસ્ટની સેવક આગેવાનો સાથે મળેલી મિટીંગમાં આમલકી એકાદશી નિમિત્તે ભગવાનની નીકળતી હાથી પરની સવારી પણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે અગિયારસ નિમિત્તે પરંપરા મુજબ ઠાકોરજી ભગવાનની ઘોડા અને પાલખી ઉપર સવારી નીકળશે. જે લક્ષ્મીજી મંદિરે જઈ પરત નિજમંદિરે ફરશે. જે દરમિયાન અબીલ-ગુલાલ કે નવરંગ કલરના છંટકાવ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. માત્ર ગુલાબની પાંખડીઓ ઉડાડવાની છુટ આપવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top